આગાહી: ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડશે

ગુજરાતમાં 4 ડિસેમ્બર સુધીમાં તાપમાન ઘટીને 12 ડિગ્રીની આસપાસ પહોંચી જશે

જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા શરુ થઈ ગઈ છે. હિમવર્ષાના કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ નવા વર્ષની શરૂઆતમાં જ ઠંડીનો ચમકારો અનુભવાયો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. ત્યારે રાજ્યમાં અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં હજુ ઘટાડો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સોમવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19 નોંધાયું, જ્યારે સૌથી ઓછું નલિયામાં 15.3 ડિગ્રી,રાજકોટનું 16.9, વડોદરાનું 21.4, સુરતનું 22.6 અને ગાંધીનગરનું 17.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં 18 નવેમ્બરથી 22 ડિસેમ્બર સુધી રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે. તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે.

નલિયામાં તાપમાનનો પારો 5 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 4 ડિસેમ્બર સુધીમાં તાપમાન ઘટીને 12 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. 18 નવેમ્બરથી લઈને જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કાતિલ ઠંડી પડવાની શક્યતાઓ છે. ગુજરાતમાં ખાસ કરીને નલિયા અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 5 ડીગ્રીએ પહોંચે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો