ગુજરાતના શિક્ષકો અને STના કર્મચારીઓ ૧ દિવસનો પગાર CM રાહત ફંડમાં આપશે
કોરોના વાઈરસ ધીમે ધીમે ગુજરાતને ભરડામાં લઈ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 39 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને એકનું મોત પણ થઈ ચૂક્યું છે. જેને પગલે અલગ અલગ ક્ષેત્રના કર્મચારીઓ અને રાજકારણીઓ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી રહી છે. આજે કોંગ્રેસના 68 ધારાસભ્યોએ ધારાસભ્ય દીઠ રૂ.10 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. જ્યારે રાજ્યના પ્રાથમિક શાળાઓના શિક્ષકો, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને ગુજરાત એસ.ટીના 40 હજાર કર્મચારીઓએ એક દિવસનો પગાર મુખ્યમંત્રીના રાહત નિધિમાં આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં શિક્ષકોનો એક દિવસના પગાર પેટે કુલ રૂપિયા 45.34 કરોડની રકમ જમા કરાવશે.
રાજ્યના 2 લાખ 76 હજાર શિક્ષકો એક દિવસનો પગાર આપશે
કોરોના વાઈરસની સંક્રમણની પરિસ્થિતિમાં રાજ્ય સરકારને સહાયરૂપ બનવા રાજ્યના પ્રાથમિક શાળાઓના શિક્ષકો તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ તેમનો એક દિવસનો પગાર મુખ્યમંત્રીના રાહત નિધિમાં જમા કરાવવાનો નિર્ણય લીધો છે. આ શિક્ષકો એક દિવસના પગાર પેટે કુલ રૂપિયા 45. 34 કરોડની રકમ જમા કરાવશે.
રાજ્ય સરકારની પ્રાથમિક શાળાઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત નગરપાલિકાઓ હસ્તકની પ્રાથમિક શાળાઓના અંદાજે 2.13 લાખ પ્રાથમિક શિક્ષકો તેમના એક દિવસના પગારની રૂપિયા 34.20 કરોડની રકમ મુખ્યમંત્રીની રાહત નિધિમાં જમા કરાવશે. જ્યારે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 63,000 શિક્ષકો એક દિવસના પગાર પેટે રૂપિયા 11.16 કરોડ સાથે કુલ રૂપિયા 45 .34 કરોડની રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષક સમુદાયને એક દિવસના પગારની રકમ મુખ્યમંત્રીના રાહત ફંડમાં જમા કરાવી સહાયરૂપ બનવાની સંવેદના દર્શાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
કોરોનાવાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ ખાસ કરીને મોરનાઇ જિલ્લાના સમાચારો માટે તમે કપ્તાન ન્યુઝનુ ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલેગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.