ગુજરાત સરકારનું ડોક્ટરોને ઇંજેક્શન: હવે 10ની જગ્યાએ 40 લાખનનો બોન્ડ..!!
ગુજરાત સરકારે ગામોમાં તબીબી અને આરોગ્ય સેવા વધારવા માટે પીજી મેડિકલ પ્રવેશમાં બોન્ડની રકમ ૧૦ લાખથી વધારી ૪૦ લાખ કરી છે. જ્યારે ગ્રામીણ સેવા જે ૩ વર્ષની હતી તે ઘટાડી હવે એક વર્ષની કરી છે. સરકારે ગત વર્ષે ધો.૧૨ સાયન્સ પછી યુજી મેડિકલ-એમબીબીએસમાં પ્રવેશ માટેના બોન્ડની રકમ ૫ લાખથી વધારી ૨૦ લાખ કરી હતી ત્યારે યુજી બાદ હવે સરકારે પીજી મેડિકલમાં પણ બોન્ડની રકમ વધારી દીધી છે. હાલ પીજી મેડિકલમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ સમયે વિદ્યાર્થીઓ પાસેથી ૧૦ લાખ રૂપિયાનો બોન્ડ લેવાય છે. આ ૧૦ લાખનો બોન્ડ અને ગ્રામીણ સેવા ત્રણ વર્ષ કરવાની શરતે હાલ પીજી મેડિકલમાં વિદ્યાર્થીને પ્રવેશ અપાય છે.
પરંતુ સરકારને ધ્યાને આવ્યુ છે કે મોટા ભાગના વિદ્યાર્થી દસ લાખની બોન્ડની રકમ ભરી દે છે. બોન્ડની રકમ ઓછી હોવાથી અને ગ્રામીણ સેવા વધારે હોવાથી વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ સેવા કરવાને બદલે બોન્ડની રકમ ભરી દેતા હોવાથી અને ગામોમાં મેડિકલ સેવા માટે જતા જ ન હોવાથી ગામોમાં આરોગ્ય અને તબીબી સેવા પર વિપરીત અસર પડી રહી છે. જેને પગલે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પીજી મેડિકલમાં બોન્ડની રકમ ૧૦ લાખથી વધારી ૪૦ લાખ રૂપિયા કરી દીધી છે અને ગ્રામીણ સેવાનો સમયગાળો ૩ વર્ષથી ઘટાડી એક વર્ષ કરી દીધો છે.
એક વર્ષની સેવામાં પુરા ૩૬૫ દિવસ સેવા કરવાની રહેશે અને જેમાં જાહેર રજાઓ પણ આવી જશે અન્ય કોઈ પણ પ્રકારની રજાઓને બોન્ડના સમયગાળામાં ગણતરીમાં લેવાશે નહી.જો રજાઓ ભોગવે તો તેટલી રજાઓ બોન્ડની સેવામાં લંબાવવાની રહેશે. ૪૦ લાખના બોન્ડમાં ૧૦ લાખની બેન્ક ગેરન્ટી અથવા ૧૦ લાખની કિંમત ધરાવતી મિલકતની ગેરન્ટી આપવાની રહેશે .આ બેન્ક ગેરંટી -મિલકત ગેરન્ટીનો વેલિડિટી પીરિયડ સાત વર્ષનો રહેશે.૪૦ લાખના બોન્ડમાં ૩૦ લાખ માટે ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર બાંયધરી આપવાની રહેશે.
જ્યારે અતિગરિબ વિદ્યાર્થીના કિસ્સામાં બેંક ગેરંટની ક્ષમતા ન હોય તો ખાસ કિસ્સામાં નિયત બેંક ગેરંટી અથવા મિલકત ગેરંટીમાંથી મુક્તિ અપાશે અને જેની સત્તા સરકારને રહેશે. આવા વિદ્યાર્થીએ ૪૦ લાખના બોન્ડની બાયંધરી ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર આપવાની રહેશે. ઓલ ઈન્ડિયા ક્વોટાની બેઠક પર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીને આ બોન્ડ સંબંધિત ઠરાવની જોગવાઈઓ લાગુ પડશે. આ ઠરાવ શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે અમલમાં આવશે.જો કે સરકારની સ્પષ્ટતા મુજબ આ બોન્ડનો ઠરાવ હાઈકોર્ટમાં ચાલી રહેલ કેસના અંતિમ ચુકાદાને આધીન રહેશે.