Placeholder canvas

ગુજરાત: 46 નવા કેસ સામે આવ્યા, અમદાવાદના એક ડૉક્ટરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો

ગુરુવારે એક જ દિવસમાં રાજ્યમાં કોરોના વાયરસના 95 નવા કેસ સામે આવ્યા હતા, સૌથી વધારે 58 કેસ અમદાવાદમાં નોંધાયા હતા.

ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિના જણાવ્યા પ્રમાણે શુક્રવારે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 46 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 308 પર પહોંચી છે. ગુરુવારે ગુજરાતમાં એક જ દિવસમાં 95 જેટલા કેસ સામે આવ્યા હતા. જોકે, બીજી તરફ આરોગ્ય સચિવનું કહેવું છે કે સેમ્પલિંગનું પ્રમાણ વધારવાને કારણે કેસમાં અચાનક વધારો થયો છે. આ મામલે લોકોએ વધારે ડરવાની જરૂર નથી. આ સાથે અમદાવાદ ખાતે એક ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

સૌથી વધારે કેસ વડોદરામાં સામે આવ્યા

શુક્રવારે 46 નવા કેસ સામે આવ્યા છે તેમાં સૌથી વધારે 17 કેસ વડોદરામાં સામે આવ્યા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 11 કેસ, પાટણમાં 2 કેસ, રાજકોટમાં 5 કેસ, કચ્છમાં 2 કેસ, ભુજમાં 4 કેસ, ગાંધીનગરમાં 1 કેસ અને ભાવનગરમાં 4 કેસ સામે આવ્યા છે. શુક્રવારે બે લોકોનાં મોત થયા છે. જેમાં અમદાવાદ ખાતે 40 વર્ષીય પુરુષ અને ગાંધીનગર ખાતે એક 81 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. શુક્રવારે ચાર લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી કુલ 30 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધી કુલ 19 લોકોનાં મોત થયા છે. નવા 11 કેસની સાથે અમદાવાદ શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 153 પર પહોંચી છે.

ડરવાની જરૂર નથી : ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ

ગુજરાતમાં વધી રહેલા કેસ મામલે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, વધી રહેલા કેસથી લોકોએ ડરવાની જરૂર નથી. જે કેસ વધી રહ્યા છે તે અંદાજ પ્રમાણે જ વધી રહ્યા છે. ક્લસ્ટર ક્વૉરન્ટીનમાં સેમ્પલિંગ વધારતા કેસ વધશે તેવો અંદાજ પહેલાથી જ હતો. અમદાવાદમાં જે કેસ સામે આવ્યા છે તે વિસ્તારોમાં કાલુપુર, માણેકચોક, જુહાપુરા, બાપુનગર, શાહઆલમ, નવા વાડજ, દુધેશ્વર, હરીઓમ સોસાયટી-બાવળાનો સમાવેશ થાય છે.

આ સમાચારને શેર કરો