Placeholder canvas

વાંકાનેર: અમરનાથ સોસાયટીમાં પેટ્રોલ ભરેલી કાચની બોટલો ફેંકી 2 ફરાર

વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં વહેલી સવારે બે બાઈક સવાર પેટ્રોલ ભરેલી કાચની બોટલો ફેંકી નાસી છૂટયા હતા અને ઘડીભર ભયનો માહોલ સર્જવાનો પ્રયાસ કર્યો હતો, જો કે જોરદાર અવાજ શરૂ થઇ જતાં એક વ્યક્તિ જાગી ગયા હતા અને પ્રતિકાર કરતાં આ બન્ને શખ્સ ભાગી ગયા હતા. જો કે આ ઘટના શા માટે બની એ કારણ અકબંધ રહ્યું છે અને સ્થાનિક પોલીસ તેમજ મોરબી SOG ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા.

વાંકાનેરમાં નેશનલ હાઈવે પર આવેલી અમરનાથ સોસાયટીમાં વહેલી સવારે ત્રણ વાગ્યા આસપાસ બે બાઈક સવારે આવી પેટ્રોલ ભરેલી કાચની સળગતી બોટલો ફેંકીને ભયનો માહોલ સર્જવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે એક વ્યક્તિ જાગી જતા હુમલાખોરો નાસી છૂટયા હતા. આવી ઘટના બનવા પાછળ ક્યું કારણ હોઇ શકે તેની તપાસ પોલીસ ટીમે આરંભી છે.

કાચની સળગતી બોટલો ફેંકવાને કારણે આખી શેરીમાં કાચના ટુકડા વેરાયા હતા અને ત્યાં પડેલી એક રીક્ષામાં પણ સામાન્ય આગની ઘટના બની હતી પરંતુ લોકોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી. આ ઘટનાના પગલે લોકો ભયભીત બની ગયા છે. ઘટનાને પગલે લોકોએ હીરાભાઈ ભરવાડને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પોલીસને વાકેફ કરી હતી.

પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરામાં તપાસ હાથ ધરી હતી તે સિવાય અલગ અલગ દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.તેમજ સ્થળ પરથી બોટલના ખાલી ઢાંકણા, કાચની કરચો વગેરે કબજે લીધી છે.શહેરમાં આવી ઘટના પહેલી જ વાર બનતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચારને શેર કરો