જામનગરમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ: સગીરાનો વીડિયો પણ ઉતાર્યો
પોલીસે આરોપીઓનાં મોબાઇલ કબ્જે કરીને ફોરેન્સિક તપાસમાં મોકલ્યા છે.
જામનગર: હજુ યુપીની હાથરસની ઘટના હજી તાજી છે ત્યાં જામનગરમાં પણ સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટનાના ચારેય આરોપીઓ ઝડપાઇ ગયા છે. ચોથા ફરાર આરોપીને સોમવારની વહેલી સવારે પોલીસે ખંભાળિયાથી ઝડપી પાડ્યો હતો. આ જધન્ય અપરાધમાં આરોપીઓમાંથી એકનાં મોબાઇલમાંથી તરૂણીની હાજરી દર્શાવતો વીડિયો પણ મળ્યો છે. હાલ પોલીસે આરોપીઓનાં મોબાઇલ કબ્જે લઈને ફોરેન્સિક તપાસમાં મોકલ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, ઝડપાયેલા ચાર આરોપીઓ પૈકી મિલન ભાટીયાએ પોતાના મોબાઈલ ફોનમાં સગીરાની રૂમમાં હાજરી હોવાનું રેકોર્ડિંગ કર્યું હતું. જે દિવસે બનાવ બન્યો ત્યારે સગીરાને મિલન નામના આરોપીએ ફોન કરીને ઘેર બોલાવી હતી. સગીરા આવે તે પહેલા જ અન્ય ત્રણ આરોપીઓ ઘરમાં હાજર હતાં. સગીરા પણ ત્યાં હાજર હોય તેવું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. જેથી પોલીસે મિલનનો મોબાઈલ ફોન કબ્જે કરી લીધો છે. મિલનનાં ફોનમાંથી કોલ ડીટેઈલ કઢાવવામાં આવશે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આરોપી મિલને પોતાના મોબાઈલ ફોનની અંદર રહેલું સીમ કાર્ડ વગેરે પણ તોડી નાખ્યાનું સામે આવ્યું છે. જેથી એફ.એસ.એલ.ની મદદથી સમગ્ર પ્રકરણની તપાસ ચલાવવામાં આવી રહી છે.
સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓ દર્શન ઘેલુભાઈ ભાટીયા, મિલન ડાડુભાઈ ભાટીયા અને દેવકરણ જેસાભાઈ ગઢવી ત્રણેયને અદાલત સમક્ષ રજુ કરી પાંચ દિવસની રિમાન્ડની માંગણી કરાતા કોર્ટે આરોપી મિલન ભાટીયાની ત્રણ દિવસની રિમન્ડની માંગણી મંજૂર કરી હતી. જયારે અન્ય બે આરોપીઓ દર્શન અને દેવકરણ ગઢવીને જેલમાં મોકલવાનો હુકમ કરતા કરાતા બંન્નેને જેલમાં મોકવામાં આવ્યાં છે.