વિદ્યાર્થીઓને રાહત: ધો.9થી12ના કોર્સમાં 30 ટકાનો ઘટાડો, બોર્ડની પરીક્ષા મે મહિનામાં લેવાશે.
કોરોના વાયરસના કારણે આ વર્ષમાં બાળકો અભ્યાસાર્થે શાળાએ જઈ શક્યા નથી. જો કે તેમનો અભ્યાસ અટકે નહીં તે માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં વિદ્યાર્થીઓને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. સરકારે કોર્સમાં ઘટાડા સાથે આ વર્ષે બોર્ડની પરીક્ષા પણ માર્ચને બદલે મે માસમાં લેવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તકના ધોરણ 9થી ધોરણ 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે. જો કે ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને પૂરો કોર્સ ભણાવાશે પણ બોર્ડના પેપરમાં માત્ર 70% કોર્સમાંથી જ પ્રશ્નો પુછાશે તેમ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું. અભ્યાસના કોર્સમાં આ ઘટાડો 1 વર્ષ માટે લાગુ રહેશે.
આ સાથે જ બોર્ડના વિદ્યાર્થીઓ માટે અન્ય એક મહત્વની ઘોષણા એ કરવામાં આવી છે કે આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચમાં નહીં પરંતુ મે માસમાં યોજાશે. જેથી બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી તનાવમુક્ત થઈ કરી શકે.
રાજ્યમાં શાળાઓ ક્યારે ખુલશે તે બાબતે કોઈ નિર્ણય હજુ લેવાયો નથી. તેવામાં વિદ્યાર્થીઓને કોર્સમાં ઘટાડાની અને બોર્ડની પરીક્ષા મોડી લેવાશે તે વાતથી રાહત આપવામાં આવી છે.