અમરેલી: લાઠી નજીક વહેલી સવારે STની ગાંધીનગર-દીવ વોલ્વો બસ પલટી, 15 મુસાફરો ઇજાગ્રસ્ત
અમરેલી : ગુજરાત એસ.ટી.ની ગાંધીનગર-દીવ રૂટની વોલ્વો બસ વહેલી સવારે પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાત્રે 9.15 વાગ્યે ગાંધીનગરથી દીવ તરફ જવા નીકળેલી બસને અમરેલીના લાઠી નજીક અકસ્માત નડતા 4 જેટલા મુસાફરોને ગંભીર ઇજા થઈ છે અને 11 મુસાફરોને સામાન્ય ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે અમરેલી ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. બસમાં 25-27 મુસાફરો સવાર હતા જેમને ધૂળેટીના તહેવારના દિવસે જ પનોતીનો સામનો કરવો પડ્યો હતો.
અકસ્માતમાં વોલ્વોનો ડ્રાઇવર પર લોહીલૂહાણ થયો હતો અને તેને પણ ઇજા પહોંચી હતી. બસના કન્ડકટરના જણાવ્યા મુજબ વહેલી પરોઢે 4 વાગ્યાની આસપાસ લાઠી નજીક બસને અકસ્માત નડ્યો. એક ટ્રક બસની સામે આવી ચઢતા વોલ્વોના ડ્રાઇવરે બસને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ પ્રયાસમાં બસ પલટીને રોડની નીચે જતી રહી હતી.
બસના કન્ડક્ટરના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં તમામ મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી હશે જ્યારે 4 લોકોને થોડી વધારે ગંભીર ઇજા થઈ હતી.