Placeholder canvas

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં 15મી સપ્ટેમ્બર સુધી વરસાદનો નવો રાઉન્ડ

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી : લો પ્રેસર તથા ટ્રફ-સરક્યુલેશન મેઘસવારી લાવશે

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કેટલાંક દિવસોથી મેઘવિરામ બાદ સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ શરુ થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. 15મી સપ્ટેમ્બર સુધીમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે એકથી વધુ સિસ્ટમ સક્રિય થઇથ છે અને તેનો પ્રભાવ પડશે.

મધ્ય પૂર્વ બંગાળની ખાડીમાં લો-પ્રેસર ઉભુ થયું છે તે એકાદ-બે દિવસમાં વધુ મજબુત બનીને ‘વેલમાર્ક’ થવાની શક્યતા છે. લો-પ્રેસર સિસ્ટમમાંથી એકટ્રફ અરબી સમુદ્ર તરફ કોંકણમાંથી પસાર થાય છે તે મજબુત બનશે. સિસ્ટમ દક્ષિણ ઓડિશા તથા ઉતરીય આંધ્ર કિનારા તરફ જાય છે અને તે જમીન પર આવશે.

આ સિસ્ટમને આનુસાંગિક સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં તા. 9 થી 15 સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમ્યાન સાર્વત્રિક વરસાદના રાઉન્ડની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છને લાગેવળગે છે ત્યાં સુધી હળવો-મધ્યમ વરસાદ થશે. આગાહીના સમયમાં બે થી ત્રણ ઇંચ વરસાદ થશે. અમુક સીમીત ભાગોમાં ભારેથી વધુ ભારે વરસાદ પડશે.

આ વરસાદની માત્રા પાંચ ઇંચથી પણ વધુ રહી શકે છે. કચ્છમાં હળવો-મધ્યમ વરસાદ થઇ શકે છે. અમુક સીમીત વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. વરસાદની માત્રા 1 થી 2 ઇંચ રહેવાની સંભાવના છે. ઉતર ગુજરાતમાં આગાહીના દિવસો દરમ્યાન 1 થી 3 ઇંચ વરસાદની શક્યતા છે. અમુક સીમીત વિસ્તારોમાં ભારે વરસાદ વચ્ચે ચાર ઇંચથી વધુ પાણી વરસી શકે છે.

મધ્ય ગુજરાતમાં બેથી ત્રણ ઇંચ હળવા-મધ્યમ વરસાદની તથા અમુક સીમીત ભાગોમાં 5 ઇંચથી વધુ વરસાદ થઇ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ આગાહીના સમયગાળામાં બેથી ત્રણ ઇંચ હળવો-મધ્યમ વરસાદ થવાની અને અમુક સીમીત ભાગોમાં 6 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે. રાજ્યના એકલદોકલ જગ્યાએ અતિભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં 8 ઇંચથી પણ વધુ વરસાદ થવાની શક્યતા છે.

આ સમાચારને શેર કરો