અમદાવાદ: વસ્ત્રાલમાં ડૉક્ટર પર ગોળીબાર, ડાબા હાથમાં ઇજા
ડૉક્ટર ઓઢવના મહેશ્વરીનગર પાસે કૃષ્ણકુંજ શોપિંગ સેન્ટરમાં જનરલ હોસ્પિટલ ધરાવે છે.
શહેરનાં વસ્ત્રાલમાં રહેતા ડોક્ટર પર ઓઢવ વિસ્તારમાં ગોળબાર કર્યો હતો. જેમાં ડોક્ટરનાં ડાબા હાથના બાવડા પર ઈજા પહોંચી છે. તપાસમાં સામે આવ્યું હતું કે, ડોક્ટરે એક વર્ષ પહેલા આરોપીની પત્નીનું સિઝેરિયન ઓપરેશન કરાવીને ડિલીવરી કરાવી હતી. જે બાદ તબિયત બગડતા પત્નીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. જેના કારણે આરોપીએ ડોક્ટર પર ગોળીબાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું. હાલ ઓઢવ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. હવે તેની પાસે હથિયાર કઇ રીતે આવ્યાં તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે 47 વર્ષનાં ડો. મુકેશભાઈ આર.પ્રજાપતિ વસ્ત્રાલમાં આલોક વિભાગ 3 બંગ્લોઝમાં રહે છે. ઓઢવના મહેશ્વરીનગર પાસે કૃષ્ણકુંજ શોપિંગ સેન્ટરમાં જનરલ હોસ્પિટલ ધરાવે છે. 21 ઓક્ટોબરનાં રોજ તે હોસ્પિટલમાં હાજર હતા. ત્યારે તેમના મિત્રએ તેમની પાસે બે લાખ રૂપિયા ઉછીનાં માંગ્યા હતા. તેથી ડોક્ટર સ્કુટર લઈને તેમનું પંજાબ નેશનલ બેન્કમાં પૈસા ઉપાડવા ગયા હતાં. ઓઢવ રબારી વસાહત નવી બનતી પાણીની ટાંકી પાસે તેઓ પહોંચ્યા ત્યારે મોબાઈલમાં રિંગ વાગતા તેમણે વાત કરવા માટે સ્કુટર ઉભુ રાખ્યું હતું. આ દરમિયાન અચાનક તેમના પાછળના ભાગેથી જોરદાર ધડાકો થયો હતો. તેમના ડાબા હાથના બાવડાના ભાગમાં ઈજા થઈ હતી. તેમણે જોયું તો વિપુલ વ્યાસ નામનો બુલેટ પર આવેલો શખ્સ તેમને ઓવરટેક કરીને ઓઢવ ફાયર સ્ટેશન તરફ ભાગી ગયો હતો.
બીજીતરફ તેમના હાથમાં ઈજાને કારણે લોહી વહેવા લાગ્યું હતું. તેમણે તાત્કાલિક તેમના દીકરાને ત્યાં આવીને સારવાર અર્થે તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં હોસ્પિટલના ડોક્ટરે એક્સ-રે કઢાવતા તેમના બાવડાના ભાગે ફ્રેકચર હોવાનું અને અંદર ગોળી હોવાનું જણાવ્યું હતું. આ અંગે ડોક્ટરે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2018માં તેમની હોસ્પિટલ પાસેની કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા વિપુલ વી.વ્યાસની પત્નીને ડિલીવરી માટે તેમની હોસ્પિટલમાં લાવ્યા હતા. જેમાં હોસ્પિટલના વિઝીટીંગ ડોક્ટરે સોનોગ્રાફી કરાવતા પાણી ઓછુ હોવાનું જણાવતા ડૉક્ટર વિપુલભાઈની મંજુરી લઈને સફળતાપુર્વક સિઝેરીયન ઓપરેશન કરાવીને બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો.
આ ડિલીવરી બાદ પત્નીની તબિયત લથડતા તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તે સમયે વિપુલ વ્યાસ અને પરિવારે ડૉક્ટર પર સારવારમાં બેદરકારી દાખવવાનો આક્ષેપ કર્યો હતો. આ દુર્ઘટનાને મનમાં રાખીને વિપુલ વ્યાસે ડોક્ટરને જાનથી મારી નાંખવાના ઈરાદે તેમની પર ગોળીબાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું. ઓઢવ પોલીસના જણાવ્યા મુજબ ઘટનાસ્થળ નજીકથી આરોપી બુલેટ પર ભાગતો સીસીટીવીમાં ઝડપાયો છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…