Placeholder canvas

ખેડૂતોની ડુંગળીના ભાવ મુદ્દે સરકાર સામે લડાઈ, સતત બીજા દિવસે ડુંગળીની હરાજી બંધ.

ડુંગળી પકવતા ખેડૂતોને રાતાં પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગોંડલ માર્કેટયાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવમુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો છે. યાર્ડમાં સતત બીજા દિવસે ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવી છે. ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતાં એક ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી છે. બપોર સુધી માર્કેટયાર્ડના સત્તાધીશો ખેડૂતોને વ્યથા સાંભળવા નહીં આવે તો ધોરાજીથી આવેલા ડિમલ વઘાસિયા નામના ખેડૂતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, જેની પોલીસે અટકાયત કરી લીધી હતી. તેમની સાથે આંદોલન કરી રહેલા 6થી 7 ખેડૂતોની પણ પોલીસે અટકાયત કરી છે.

ગઈકાલે ગોંડલમાં ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધીના મુદ્દે નેશનલ હાઇવે બંધ કરીને ચક્કાજામ કરી ઉગ્ર વિરોધપ્રદર્શન કર્યું હતું. ત્યારે આજે સતત બીજા દિવસે ગોંડલ માર્કેટયાર્ડમાં ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવી હતી. ખેડૂતો હાઇવે પર ચક્કાજામ ન કરે એને લઈને નેશનલ હાઇવેની નજીક આવેલા ગોંડલયાર્ડની બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે ઉગ્ર બનેલા આ વિરોધપ્રદર્શનમાં ધોરાજીથી આવેલા એક ખેડૂતે 12 વાગ્યે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સરકારે ડુંગળીની નિકાસ બંધ કરતાં એક જ દિવસમાં સરકારે ડુંગળીની નિકાસ બંધ કરતાં એક જ દિવસમાં ભાવમાં કડાકો થયો છે. ડુંગળીની નિકાસ બંધ થતાં અનેક દિવસ બજારમાં હરાજી બંધ રહી હતી. હવે જ્યારે ડુંગળીની હરાજી ફરી શરૂ થઈ તો ભાવ ગગડી ગયા છે.

ડુંગળીના ભાવ રાતોરાત ગગડી જતાં ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, શિયાળુ ડુંગળી પકવતા ખેડૂતો માટે પારાવાર મુશ્કેલી ઉભી થઇ છે અને મુશ્કેલીનું કારણ એ છે કે ભાજપની સરકારે ડુંગળીની નિકાસબંધી કરી છે. હકીકતમાં ખેડૂતના ઘરમાં જ્યારે ખેત પેદાશ આવે ત્યારે એવી નીતિ હોવી જોઈએ કે એમને સારા ભાવ મળી રહે અને પછી સંગ્રહખોરો ફાયદો ના લે. એટલે સરકારની નીતિ એવી હોવી જોઈએ કે સંગ્રહખોરોના ઘરમાં માલ હોય ત્યારે મોંઘવારી ના નડે અને ઉપભોક્તાને તકલીફ ના પડે, પરંતુ આ સરકાર કંઇક વિચિત્ર નિર્ણય કરી રહી છે.

આ સમાચારને શેર કરો