Placeholder canvas

તીડનું વધુ એક ઝૂંડ ઉત્તર ગુજરાતમાં આક્રમણ કરે તેવી આશંકા


ગુજરાતથી 20 કિલોમીટર દૂર તીડનું વધુ એક ઝૂંડ દેખાયું, રાજસ્થાનના અનેક ગામોમાં તીડના ઝુંડના ઝૂંડ જોવા મળ્યા

ઉત્તર ગુજરાતમાં તીડના ઝૂંડે આક્રમણ કરતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. એક તરફ બનાસકાંઠામાં તીડ નિયંત્રણની કામગીરી કાબુમાં હોવાના સમાચાર આવ્યા છે ત્યારે ફરી એક વાર રાજસ્થાનનાં ગામોમાં તીડના ઝૂંડના ઝૂંડે દેખા દેતા ગુજરાતમાં આક્રમણ થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

તીડ ફરી એક વાર ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠામાં આક્રમણ કરી શકે છે. બનાસકાંઠામાં ગુજરાતથી 20 કિલોમીટર દૂર તીડનું ઝૂંડ સક્રિય છે. રાજસ્થાનનાં પુનરિયા, સીંડુવા, ગંગાસરા સહિતના ગામોમાં તીડનું આક્રમણ જોવા મળ્યું છે.

પવનની દિશા બદલાતા બનાસકાંઠામાં ફરી તીડ આક્રમણ કરી શકે છે. વાવ કિસાન સંઘના પ્રમુખ હીરાજી ગોહિલે સરકારને જાગવા માટે અપીલ કરી છે. જો તીડ બીજી વાર આક્રમણ કરશે તો ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી શક્યાતા છે.

દરમિયાન આજે ડીસા તાલુકાના ઝેરડા કંસારી અને ધાનેરના છીંદીવાડા અને કુમારગામે તીડે આક્રમણ કર્યુ છે. ખેડૂતો પાકને બચાવવા માટે ઢોલ, વાસણો, ડીજે વગાડી રહ્યા છે. ખેડૂતોના અથાક પ્રયોસ બાદ પણ તીડના હુમલાથી પાકને બચાવામાં તેઓ નિષ્ફળ ગયા છે.

જોકે, આ બધાની વચ્ચે તીડના હુમલા સામે દવાનો છંટકાવ કરવા માટે બનાસકાંઠામાં તંત્ર સજ્જ છે. બનાસકાંઠામાં તીડ પર દવા છાંટવા માટે 10 ટીમો તહેનાત કરવામાં આવી છે. ખેતીવાડી ટીમે 18 ટીમોમાંથી 10 ટીમ ઉમેરી અને 28 ટીમને દવા છાંટવા માટે સજ્જ કરી છે.

આ સમાચારને શેર કરો