વાંકાનેર: લુણસરીયા રેલ્વે સ્ટેશન નજીક કોન્ટ્રાકટરે મજુરને લોખંડનો સળિયો ઠોકયો,મોત.
ઇજા ગ્રસ્ત શ્રમિકનું અમદાવાદમાં સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો
વાંકાનેર : વાંકાનેરના લુણસરીયા રેલ્વે સ્ટેશન નજીક મજૂરી કામના પૈસા ચુકવવાની બાબતે કોન્ટ્રાકટ અને મજુર વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં કોન્ટ્રાક્ટરે શ્રમિકને લોખંડનો સળિયો ઝીંકી દેતા તેને વધુ સારવાર અર્થે અમદાવાદમાં ખસેડાયો હતો. જ્યાં ગંભીર ઇજાગ્રસ્ત શ્રમિકનું સારવાર દરમ્યાન મોત નિપજતાં આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો. રેલ્વે પોલીસે આરોપી કોન્ટ્રાક્ટર સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની જાણવા મળેલ વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના જાંબુઆનો વતની અને હાલ વાંકાનેરના મચ્છુ નદીના કાંઠે કેરાળા અને લુણસરીયા ગામની વચ્ચે ઝુંપડા બાંધીને રહેતા પ્રભુભાઈ હિંદુભાઈ ચારેલ ઉ.વ.30 એ તેના ત્રણ મિત્રો રામસિંગ અને કલસિંગ તથા પાંગુએ મળીને ગત ચોમાસામાં વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે મજૂરી કામ કર્યું હતું. આ મજૂરી કામના રૂ.28, 800 થયા હતા તેમાંથી રૂ.18800 કોન્ટ્રાક્ટર સુરેશ મુનિયાસિંગ માવી ઉ.વ.23 રહે મૂળ મધ્યપ્રદેશ જાબુંઆ હાલ વાંકાનેર રાતીદેવળી વાળાને ચૂકવ્યા હતા. જ્યારે મજૂરી કામના બાકીના રૂ.10 હજાર તે ઘણાં સમયથી આપતો ન હોવાથી આ પૈસાની ઉઘરાણી કરવા માટે પ્રભુભાઈ અને તેના ત્રણ મજૂર સાથી મિત્રો ગત તા.18 રોજ કોન્ટ્રાકટર સુરેશનું લુંણસરીયા રેલવે સ્ટેશન પર કામ ચાલતું હોય ત્યાં પહોંચ્યા હતા.
અને બાકીના મજૂરી કામના પૈસા આપવા મુદ્દે બન્ને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ કોન્ટ્રાકટર સુરેશે ઉશ્કેરાઈ જઈને લોખંડના સળિયાથી શ્રમિક પ્રભુભાઈ પર હુમલો કર્યો હતો. તેમજ અન્ય ત્રણ મજૂરો પર પણ હુમલો કર્યો હતો. જેમાં પ્રભુભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી વાંકાનેર અને રાજકોટ બાદ અમદાવાદ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે પ્રભુભાઈનું મોત નીપજ્યું હતું. આથી, બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આથી વાંકાનેર રેલ્વે પોલીસે કોન્ટ્રાકટર સુરેશ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.