Placeholder canvas

જગતાત લાઈનમાં : ખરા સમયે યુરિયાની અછત, યુરિયા લેવા માટે ખેડૂતો લાઈનમાં..!!

સરકાર માટે કેટલી શરમની વાત છે કે જેમને તે “જગતનો તાત” કહે છે તે આજે યુરિયા માટે દરબદર ભટકી રહ્યો છે અને કરગરી રહ્યો છે કેમકે તેમને તેમનો પાક બચાવવાનો છે.

ભાજપ સરકારને લોકોને લાઇનમાં ઊભા રાખવાનું ભારે શોખ છે અને એ માટે એની આવડત પણ છે. ભાજપની આ આવડત વધુ એક વખત ઉજાગર થઈ છે. આજે આ સરકારે વધુ એક વખત લોકોને લાઈનમાં રાખી દીધા છે, આજે જ્યાં જ્યાં યુરિયા વેચાય છે ત્યાં ખેડૂતોની મોટી મોટી લાઈનો જોવા મળે છે.

આજે ખેડૂત પરેશાન છે તેમને ખૂબ સારો વરસાદ થયા પછી ખરા સમયે જ યુરિયા મળતું નથી, લગભગ તમામ ગામડાઓની મંડળીમાં અને વાંકાનેર શહેરમાં યુરિય ઉપલબ્ધ નથી અને જેવા ખબર મળે કે ફલાણી જગ્યાએ યુરિયાની ગાડી આવી છે તો ખેડૂતો ત્યાં. મોટી મોટી લાઈન લગાવી રહ્યા છે.

આજે ખેડૂત પોતાના ગામ ઉપરાંત અન્ય ગામડાઓમાં પણ તમારે ત્યાં યુરિયા છે? આવું ફોન કરીને પૂછતો થયો છે. સારા વરસાદ થયા બાદ જો ખેતીના કોઈપણ પાકને યુરિયા ન મળે તો એ પાકની વૃદ્ધિ ન થાય અને પાક પીળો પડી જાય તેમની સિધી અસર ઉત્પાદન ઉપર આવે. જેથી ભારે પરેશાની ભોગવીને પણ કોઈ પણ રીતે યુરિયા મેળવવા માટે ખેડૂત મથામણ કરી રહ્યો છે પરંતુ તેમાં મોટાભાગે તેમને નિષ્ફળતા મળી રહી છે.

મોદી સાહેબ જે બોલ્યા છે તે તેમને હંમેશા થુંકેલું ચાટવુ પડ્યું છે. એક વખતે યુરિયા ઉપર મોટા મોટા ભાષણો ઠોકનાર મોદી કહેતા હતા કે આ કોંગ્રેસવાળા ખેડૂતોને સમયસર ખાતર પણ નથી આપી શક્યા, જ્યારે અમે આવ્યા બાદ યુરિયામાં નીમ કોટિંગ કરી દેતા યુરિયાની અછત બંધ થઈ ગઈ છે. હવે ખેડૂતને ખાતર માટે કયારે લાઈનમાં ઊભું રહેવું નહીં પડે આવા શબ્દો જે તે સમયે મોદીના હતા..!! તો લ્યો મોદી સાહેબ આજે યુરિયાની અછત છે તમારે નીમ કોટિંગ કરવું હોય તો નીમ કોટિંગ કરો અને કેસર કોટિંગ કરવું હોય તો કેસર કોટિંગ કરાવો પણ ખેડૂતને યુરિયા કમ સે કમ આપો. આવી ખેડૂતની માંગ છે. અને જો તમે તેવું ન કરી શકતા હો તો ખેડૂતોની માફી માંગો. દુઃખની વાત તો એ છે કે ખેડૂતોના મસિહાની બાંગો ફેકનાર કોંગ્રેસને પણ આ મુદ્દો અત્યારે દેખાતો નથી, કોંગ્રેસ માત્ર વિરોધ પણ દેખાવ પૂરતો કરી રહી છે. તેમને લાભ થાય એમ હોય એ મુદ્દાને ચગાવે છે. ગુજરાતમાં નમાલા વિરોધ પક્ષના કારણે શાસક પક્ષ બેફિકર બન્યો છે અને તેમને કોઈનો ડર રહ્યો નથી. આ બંનેને નિષ્ક્રિયતા અને નિષ્ફળતાનું પરિણામ હાલમાં ખેડૂતો,ગરીબો અને નાના માણસો ભોગવી રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતો માટે કામ કરતી અને કહેવાતી કેટલીક ખેડૂતોની સંસ્થા કિસાન સંઘ કે આવી બીજી અન્ય સંસ્થાઓ અત્યારે દૂરબીનમાં પણ ક્યાંય દેખાતી નથી… જેથી જો કોઈને મળે તો એમનું સરનામું ખેડૂતોને પહોંચાડજો… ( એવી સંસ્થાના આગેવાનોનું નામ અને મોબાઈલ નંબર જેથી ખેડૂતો પોતાની અંદર રહેલી ભળાસ ફોન કરીને કાઢી શકે…) હવે તો જાગો જગતાત…

આ સમાચારને શેર કરો