Placeholder canvas

સજા: સગીરને માર મારનાર જૂનાગઢના Dyspને 3 વર્ષની સજા


દેવગઢબારીયાના તત્કાલીન PSI જે.બી.ગઢવીને ગુનેગાર ઠેરવી કોર્ટે ચુકાદો આપ્યો : પોલીસ બેડામાં ખળભળાટ

જૂનાગઢના કેશોદ વિભાગના ડીવાયએસપીને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી છે. સગીરને માર માર્યો હોવાના કેસમાં દેવગઢબારીયા કોર્ટે આરોપી ડીવાયએસપીને કસૂરવાર ઠેરવી આ ચુકાદો સંભળાવ્યો હતો.

આ અંગેની વિસ્તૃત વિગત મુજબ હાલ કેશોદ વિભાગના ડીવાયએસપી જે.બી ગઢવી 14 વર્ષ પહેલાં દાહોદ જિલ્લાના દેવગઢબારીયા ખાતે પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે કોઈ ગુનાની તપાસમાં તેઓએ દેવગઢ બારીયા તાલુકાના બૈણા ગામના રહેવાસી સરજનકુમાર રામાભાઇ પસાયાની અટકાયત કરી હતી. ત્યાર બાદ બાદમાં સરજનકુમાર સગીર હોવાની જાણ થતાં તુરંત તેને છોડી મૂકી તેમના પરિવારજનોને બોલાવી સોંપી દેવાયો આવ્યો હતો.

અટકાયત દરમિયાન તત્કાલીન પીએસઆઈ જે.બી ગઢવીએ સગીર સરજનકુમારને માર માર્યો હોવાનો આક્ષેપ થયો હતો. જેથી સગીરના પરિવારજનોએ વકીલ મારફત દેવગઢબારીયા કોર્ટમાં તત્કાલીન પીએસઆઈ જે.બી ગઢવી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. દેવગઢબારિયા કોર્ટમાં આ કેસ ચાલી જતા કોર્ટે સગીર તરફે રોકાયેલા વકીલની દલિલોને ગ્રાહ્ય રાખી હતી અને પુરાવાની તપાસ કરવા જણાવ્યું હતું. પુરાવાના આધારે પીએસઆઈ ગઢવી ગુનેગાર જણાયા હતા અને તેમને કોર્ટે દોષી ઠેરવ્યા હતા. આજે આ કેસમાં ચુકાદો આપતા દેવગઢ બારીયા કોર્ટે આઈપીસીની કલમ 323 હેઠળ દોષિત ઠેરવાયેલા જે.બી.ગઢવીને 3 વર્ષની સજા ફટકારી છે.

આ સમાચારને શેર કરો