Placeholder canvas

રાજકોટ: ડોક્ટર મોરીએ ક્લિનિક પર પરિણીતા પર ચાર વાર દુષ્કર્મ આચર્યું…

રાજકોટના સ્વામિનારાયણ ચોક પાસે કૃષ્ણનગર મેઇન રોડ પર નયન ક્લિનિક ધરાવતા ડો.એલ.જી.મોરી સામે છેલ્લા સાત મહિનાથી ધમકી આપી પરિણીતા પર અનેક વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. તબીબે પરિચય કેળવી નોકરીની લાલચ આપી ચારથી વધુ વખત બપોરે જ ક્લિનિક પર બોલાવી દુષ્કર્મ આચર્યાનું તપાસમાં ખુલ્યું છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાની અને હાલ રૈયા રોડ વિસ્તારમાં માતાના ઘરે રહેતી પરિણીતાની ફરિયાદ મુજબ, પતિ સાથે મનમેળ નહિ થતાં આઠ મહિનાથી આગલા ઘરની દીકરી સાથે રિસામણે આવી છે.

સાત મહિના પહેલાં તબિયત નાદુરસ્ત હોય ડો.મોરીને ત્યાં દવા લેવા ગઇ હતી. તબીબે દવા આપ્યા બાદ મોબાઇલ નંબર લઇ બે દિવસ પછી બતાવવા આવવાનું કહ્યું હતું. બે દિવસ પછી ફોન કરતા તેને બપોરે આવવાનું કહ્યું હતું. પોતે બપોરે ક્લિનિક પહોંચતા ડો.મોરી સિવાય કોઇ ન હતું. પોતાને કેબિનમાં લઇ જઇ કામકાજ વિશે પૂછતા પોતે ઇમિટેશનનું કામ કરતી હોવાનું કહ્યું હતું. ત્યારે ડો.મોરીએ સારી નોકરી અપાવી દેવાની વાત કરી શું તકલીફ થાય છેનું પૂછ્યું હતું. તબિયત તપાસવા પોતાને ટેબલ પર સુવડાવી પેટ તપાસવાનું નાટક કરી બળજબરી કરી પહેલી વખત દુષ્કર્મ આચર્યું હતું.

બાદમાં ડો.મોરીએ તું આ વાત કોઇને કરીશ તો તારા ઘરે આવી તને બદનામ કરી દઇશની ગર્ભિત ધમકી આપી હતી. છ દિવસ બાદ ડો.મોરીએ ફોન કરી તબિયત વિશે પૂછી મિત્રને ત્યાં નોકરીની વાત કરી છે એટલે ક્લિનિક પર આવવા કહ્યું હતું. બપોરે દીકરી સાથે ક્લિનિક પર જતા દીકરીને બહાર ચોકલેટ આપી પોતાને કેબિનમાં આવવા કહ્યું હતું. ના પાડતા બળજબરીથી કેબિનમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ અઠવાડિયા પછી ફોન કરી તારી નોકરીનું થઇ ગયું છે કહી ક્લિનિક પર બોલાવી હતી. પોતે ક્લિનિક પર જતા ડો.મોરીએ મેં તારી સાથે જે ખોટું કર્યું છે તે બદલ માફી માગી હતી. તેમજ મિત્રનો ફોન આવે એટલે તને વાતચીત કરવા બોલાવીશનું કહ્યું હતું.

દરમિયાન ગત તા.5ના ડો.મોરીએ ફોન કરી મિત્ર બપોરે આવવાના છે એટલે બપોરે ક્લિનિક પર આવવા કહ્યું હતું. બપોરે ક્લિનિક પર પહોંચતા ડો.મોરી એકલા હતા અને મિત્ર હમણાં આવે છે. તેમ કહી ફરી બળજબરી કરી કેબિનમાં લઇ ગયા હતા. ડો.મોરીનો પ્રતિકાર કરવા છતાં તેને બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તારાથી થાય તે કરી લેજે, કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશની ધમકી આપી હતી. તબીબની ધમકીથી પોતે ગભરાઇ ગઇ હતી. બનાવની માતાને વાત કર્યા બાદ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એટ્રોસિટી, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે તબીબની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો