‘તમારા પરિવારને બચાવવો હોય તો ઘરનો ઉંબરો ન ઓળંગતા’, -PM મોદી
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું, આગામી 21 દિવસ સમગ્ર દેશમાં લોકડાઉન, ઘરમાં રહો, ખુદ સુરક્ષિત રહો, દેશને સુરક્ષિત રાખો
દેશમાં કોરોના વાયરસના વધતા પ્રકોપને રોકવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ પોતાના પ્રયાસો વેગવંતા કરી દીધા છે. આ વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લૉકડાઉન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંદેશમાં આ વાતની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું બે હાથ જોડીને વિનંતી કરૂ છું કે ‘તમારા પરિવારને બચાવવો હોય તો મહેરબાની કરીને ઘરનો ઉંબરો ન ઓળંગતા’
પીએમ મોદીએ કહ્યું હતું કે આજે રાત્રે 12 વાગ્યાથી દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. આ લોકડાઉન 21 દિવસ માટે હશે. આ જનતા કર્ફ્યૂથી આગળનું પગલું છે. આ સંપૂર્ણ લોકડાઉન એક પ્રકારની કર્ફ્યૂ જ છે. આ પગલું દરેક હિન્દુસ્તાનીને બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે.
PM Modiના ભાષણના મુખ્ય અંશો
*સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયા માટે લોકડાઉન કરી રહ્યા છીએ, આ એક પ્રકારનો કર્ફ્યૂ જ છે.
* દેશવાસીઓએ તેનું ચુસ્ત પાલન કરવું પડશે કારણ કે કોરોનાને હટાવવાનો તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી.
*આપણે સૌ ઘરમાં રહીને એ લોકો માટે પ્રાર્થના કરીએ જે પોતાની જાતને જોખમમાં મૂકીને ઈલાજ કરી રહ્યા છે.
*બે હાથ જોડીને વિનંતી કરું છું કે ઉંબરો નહીં ઓળંગતા, તમારા પરિવારને સુરક્ષિત રાખવા માટે ઘરમાં જ રહેજો
*આપણે સંક્રમણની ચેઇન તોડવી જ રહી. કોરોનાથી કોઈ સંક્રમિત થયો છે કે નહીં તેની ખબર દિવસો સુધી નથી પડતી
*કોરોનાને નાથવાનો એક જ ઉપાય છે, ઘરમાં જ રહો અને ઘરમાં જ રહો.
*હોસ્પિટલમાં કામ કરી રહેલાં ડોક્ટરો, નર્સ, પેથોલોજિસ્ટ, વોર્ડબોય,એમ્બ્યુલન્સના ડ્રાઈવર એ દરેક પોતાની કે પરિવારની ચિંતા છોડીને બીજાની સેવા કરે છે.
*સ્વચ્છતા અને સેનિટાઈઝેશનના કામમાં જોડાયેલા દરેક કર્મચારીઓ સલામને પાત્ર છે.
*તમને સાચી માહિતી આપવા માટે સંક્રમણનું જોખમ ઊઠાવીને ચોવીશ કલાક કામ કરી રહેલાં મીડિયાકર્મીઓનો વિચાર કરો.
*કોરોનાનો એક જ મતલબ હું કરી રહ્યો છુંઃ કોઈ રોડ પર ના નીકળે
રસ્તા પર ઊભા રહીને કાયદો અને વ્યવસ્થાની ચિંતા કરી રહેલાં
પોલીસકર્મીઓની ચિંતા કરો. એમનો આભાર પ્રગટ કરો.
વિશ્વના સુખી અને સંપન્ન દેશો પણ કોરોનાની મહામારીની ઝપટમાં આવી ચૂક્યા છે.
*સાધન સંપન્ન હોવા છતાં આ દેશોમાં કોરોના રોકી શકાયો નથી. એ જ દર્શાવે છે કે કોરોના વાયરસ ફેલાયા પછી તેને રોકવો અશક્ય છે.
*અમેરિકા, ઈટાલી, સ્પેન, ફ્રાન્સ અને જર્મની જેવા સાધન સંપન્ન અને સમૃદ્ધ દેશો પણ કોરોનાનો પ્રભાવ ટાળી શક્યા નથી.
*આ દેશોના અનુભવ પરથી નિષ્કર્ષ નીકળે છે કે બીજા કે ત્રીજા સપ્તાહમાં જ કોરોનાને ફેલાતો રોકવો પડશે.