Placeholder canvas

રાજકોટ: હોસ્પિટલોના બાંધકામ પણ ગેરકાયદે : આઠ દવાખાના સીલ

રાજકોટ: રાજયમાં બિલ્ડીંગ યુઝ પરમીશન વગરની હોસ્પિટલ સહિતની ઇમારતો સામે કડકમાં કડક પગલા લેવા સરકાર અને અદાલતે પણ આપેલા માર્ગદર્શન વચ્ચે અંતે મહાનગરમાં હોસ્પિટલોની સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવતા તબીબી આલમમાં ખળભળાટ મચી ગયો છે. બે મહિના અગાઉ શહેરમાં 200 જેટલી ખાનગી હોસ્પિટલને બીયુપી રજુ કરવા નોટીસ અપાયા બાદ આઠ હોસ્પિટલ કમ્પલીશન સર્ટી. રજુ ન કરી શકતા સીલ મારી દેવામાં આવેલ છે.

બીયુપી વગરનું કોઇ પણ બાંધકામ કાગળ પર ગેરકાયદે જ ગણવામાં આવે છે. સૂચિત સોસાયટીઓના આવા બાંધકામો સામે અવારનવાર બુલડોઝર ઉતારવામાં આવે છે પરંતુ કોરોના કાળ સહિતના સમયમાં વર્ષે લાખો કરોડોની કમાણી કરતા ડોકટરોના બાંધકામ પણ ગેરકાયદે જાહેર થતા અને પ્રથમ વખત સીલના પગલા લેવામાં આવતા તબીબી આલમમાં ફફડાટ પણ વ્યાપ્યો છે.

રાજકોટ મહાપાલિકાની હદમાં હેતુફેર, માર્જીન અને પાર્કિંગમાં વાયોલેશન, સૂચિતમાં બાંધકામ, ગેરકાયદે બાંધકામ, બિલ્ડીંગ યુઝ પરમીશન ન હોય તેવી હોસ્પિટલોનો થોડા સમય પહેલા સર્વે કરવામાં આવ્યો હતો. બાદમાં દવાખાનાઓને તેમના કાયદેસર બીયુપી રજુ કરવા મુદત આપવા નકકી કરાયું હતું. જેના આધારે બે મહિના અગાઉ ટીપી શાખાએ જુદા જુદા વિસ્તારમાં આવેલી 200 જેટલી હોસ્પિટલોને નોટીસ આપી હતી. જે મુદત પૂરી થતા મોટા ભાગના તબીબોએ કમ્પલીશન સર્ટી. રજૂ કર્યુ છે. પરંતુ 8 આસામી હોસ્પિટલના બીયુપી રજૂ કરી ન શકતા ગેરકાયદે બાંધકામ સમજીને આ ઇમારતો સીલ કરી દેવામાં આવી છે.

કઇ કઇ જગ્યાએ સીલ મારી દેવાય

  1. ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ
  2. શ્રધ્ધા કલીનીક-ડેન્ટલ કેર
  3. લાઇફ લાઇન મલ્ટી સ્પે. હોસ્પિટલ
  4. મોર્ડન હોસ્પિટલ
  5. ઇશા હોસ્પિટલ
  6. ઓમ હોસ્પિટલ
  7. યુનિક હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર
  8. મેડકેર એન્ડ કયોર હોસ્પિટલ
આ સમાચારને શેર કરો