રાજકોટમાં નવેમ્બર-ડિસેમ્બરમાં કોરોનાની બીજી લહેર આવે તેવી ભીતિ: કલેકટર

કોરોના નબળો પડ્યા બાદ બીજા જ મહિનાથી ફરી પુરાજોશ સાથે ત્રાટકતો હોય છે તેવી અન્ય રાજ્યો અને શહેરોની પેટર્ન મુજબ રાજકોટમાં નવેમ્બર-ડિસેમ્બર માસમાં કોરોનાના કેસની સંખ્યા વધી જવાની ભીતી હોવાથી તંત્રને સાબદા રહેવા અને કોઈ જાતની ગફલતમાં નહીં રહેવાની સૂચના રાજકોટ જિલ્લા કલેકટર રમ્યા મોહન દ્વારા આપવામાં આવી છે.

પત્રકારો સાથેની વાતચીતમાં કલેક્ટરે જણાવ્યું હતું કે ગઈ કાલે ગાંધીનગર ખાતે કમિટી ઓફ સેક્રેટરીની બેઠક મળી હતી અને તેમાં શિવકુમારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રાજકોટમાં કોરોનાની બીજી લહેર નવેમ્બર-ડિસેમ્બરમાં આવે તેવી ભીતિ છે અને તેથી કોઈએ જરા પણ ગફલતમાં રહેવાની જરૂર નથી.

સિવિલ હોસ્પિટલ, સમરસ હોસ્ટેલ, કામદાર વિમા યોજના હોસ્પિટલ સહીત રાજકોટમાં સરકારી તંત્ર દ્વારા 2500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે તે પૈકી આજની તારીખે 1563 બેડ ખાલી છે. આમ છતાં આ વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે. બેડની સંખ્યામાં કોઈ ઘટાડો કરવામાં નહીં આવે. કોઈ ખાનગી હોસ્પિટલને બંધ કરવામાં નહિ આવે. ડોક્ટર સહિતનો જે કોઈ સ્ટાફ કોરોનાની કામગીરી સાથે સંકળાયેલો છે તે તમામ યથાવત રાખવામાં આવશે અને નવેમ્બર-ડિસેમ્બર માસમાં જો પરિસ્થિતિ વણસશે તો તે સામે લડી લેવા માટે હાલનું સેટઅપ અને વ્યવસ્થા તંત્ર તૈયાર છે. એક સવાલના જવાબમાં કલેક્ટરે જણાવ્યું હતું કે ખાલી બેડની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. પરંતુ આઇસીયુવાળા બેડની સંખ્યામાં ખાસ ઘટાડો થતો નથી. સામાન્ય લક્ષણવાળા દર્દીઓ હોમ આઇસોલેશન તરફ વળયા હોવાથી તંત્રને પ્રમાણમાં રાહત છે.

કલેક્ટરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં શિયાળાની સિઝન શરૂ થઇ રહી છે ત્યારે ઠંડીમાં કોરોના વાયરસ નબળો પડશે કે વધુ તીવ્ર બનશે તેની પણ ખબર નથી. આ સંપૂર્ણપણે નવા પ્રકારની આફત છે અને તેથી જ્યારે જે પરિસ્થિતિ સર્જાશે ત્યારે તે મુજબ પગલા લેવામાં આવશે. આયોજન ઘડી કાઢવામાં આવશે.

આ સમાચારને શેર કરો