કોરોના વાઇરસ: ગુજરાતમાં કોરોનાથી પ્રથમ મોત, સુરતમાં 67 વર્ષનાં વૃદ્ધનું મોત
વડોદરામાં 65 વર્ષીય મહિલાનું મોત થયું જેમનો કોરોના રિપોર્ટ પેન્ડીંગ હતો, સુરતના વૃદ્ધ દિલ્હી-જયપુરથી પ્રવાસ કરી આવ્યા હતા.
રાજ્યમાં કોરોના વાયરસએ ભરડો લઈ લીધો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસનાં જે પોઝિટિવ કેસ હતા તે વધીને પોઝિટિવ કેસની સંખ્યા 18 થઈ છે. દરમિયાન રાજ્યમાં કોરોના વાયરસના કારણે પ્રથમ મોત થયું છે. પ્રાપ્ત અહેવાલો મુજબ સુરતનાં 67 વર્ષીય વૃદ્ધ કોરાના વાયરસના કારણે મોત થયું છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સુરતના આઠવા લાઇન્સ વિસ્તારના વૃદ્ધ હૉસ્પિટલમાં દાખલ હતા.
વિદેશ યાત્રા નહોતી કરી
પ્રાથમિક અહેવાલો અનુસાર આ વૃદ્ધે વિદેશ પ્રવાસ નહોતો કર્યો પરંતુ તેઓ દિલ્હી અને જયપુરથી યાત્રા કરી સુરત આવ્યા હતા. 17મી માર્ચે તેમની તબિયત લથડતા વૃદ્ધને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
રિપોર્ટ પહેલાં પણ કિડની ફેઇલ હતી
કોરોના પોઝિટિવ આવ્યા પહેલાં પણ કિડની પણ ફેઇલ થઈ હતી અને અસ્થમાની બિમારીથી પણ પીડાતા હતા. કોરોના પોઝિટિવ આવતાં છેલ્લાં ચાર દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે બપોરે મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
સારવાર આપનાર ડૉક્ટરને પણ દાખલ કરવામાં આવ્યા
દરમિયાન સુરતથી પ્રાપ્ત થઈ રહેલા અહેવાલો અનુસાર વૃદ્ધને સારવાર આપનારા તબીબને પણ દાખલ કરવામાં આવ્યા છે. આ વૃદ્ધને અન્ય પણ બિમારી હતી તેવામાં તેઓ કોરોના સંક્રમિત થતા મામલો જટીલ બન્યો હતો અને આખરે બપોરે તેમણે શ્વાસ છોડી દીધો હતો.
વડોદરામાં 65 વર્ષીય મહિલાનું મોત, કોરોનાનો રિપોર્ટ આવ્યો નહોતો
દરમિયાન વડોદરામાં 65 વર્ષીય મહિલાનું મોત થયું છે. મહિલાને શંકાસ્પદ કોરોના જણાતા સારવાર લઈ રહ્યા હતા દરમિયાન તેમનું મોત થયું. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી કે સુરત અને વડોદરામાં બે મોત થયા છે. વડોદરામાં મૃત્યુ પામેલા મહિલાનો કોરોના વાયરસનો રિપોર્ટ આવ્યો નહોતો.