ગુજરાતના ચાર મહાનગરમાં કોરોનાની એન્ટ્રી, અમદાવાદમાં બે અને વડોદરામાં એક નવો કેસ નોંધાયો
રાજ્યમાં કોરોના વાયરસના પાંચ પોઝીટીવ કેસ, તમામની ઉંમર 36 વર્ષ સુધીની
રાજ્યમાં કોરોના વાયરસના ત્રણ નવા કેસ નોંધાયા છે. ગઈકાલે સુરત-રાજકોટમાં એક એક કેસ નોંધાયા બાદ હવે અમદાવાદ અને વડોદરામાં ત્રણ નવા કેસ નોંધાયા છે. આમ કોરોના વાયરસે રાજ્યના તમામ શહેરોમાં પગપેસારો કર્યો છે અને રાજ્યમાં પોઝીટીવ કેસની સંખ્યા 5 મળી છે. અમદાવાદમાં ન્યૂયોર્કથી આવેલી એક મહિલા અને વડોદરામાં સ્પેનથી આવેલી એક વ્યક્તિને કોરોના પોઝીટીવ ટેસ્ટ થયો છે.
વડોદરામાં સ્પેનથી પરત ફરેલા યુવાનની તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતો 39 વર્ષીય યુવાન તાજેતરમાં જ સ્પેન ગયો હતો. જ્યાં તેને સતત 3 દિવસ શરદી-ખાંસી શરૂ થવા સાથે તબિયત લથડતા વડોદરા પરત આવી ગયો હતો. અને મંગળવારે મોડી રાત્રે તે સયાજી હોસ્પિટલમાં દોડી ગયો હતો. હોસ્પિટલ દ્વારા તેનામાં કોરોનાના પ્રાથમિક લક્ષણો જોઇને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી દીધો હતો.
‘રાજ્યમાં નોંધાયેલા કેસમાં બે મહિલા અમદાવાદમાં પોઝીટીવ છે. વિદેશ યાત્રાએથી આવેલા કેસ પોઝીટીવ છે. આ તમામ કેસની ઉંમર 36 વર્ષથી ઓછી ઉંમર છે. રાજકોટ-સુરત, અમદાવાદ અને વડોદરામાં નોંધાયેલા આ કોરોના વાયરસના કેસ વિદેશયાત્રીઓના છે.