Placeholder canvas

દાઉદી વ્હોરા સમાજમાં ‘બહિષ્કાર’ની પરંપરાનો વિવાદ નવ જજોની બંધારણીય બેન્ચને સુપ્રત

સુપ્રીમ કોર્ટ દ્વારા દાઉદી વ્હોરા સમુદાયમાં પ્રવર્તતા બહિષ્કાર (સમુદાય-બહાર-મુકવા-કોઈ સંબંધ ન રાખવા) ની પરંપરા સામેની અરજી નવ જજોની બંધારણીય બેન્ચને સુપ્રત કરવા નિર્ણય લીધો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલના વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ કેસને કેરળના શબરીમાલા કેસ સાથે જોડવા માટે નવ જજોની બંધારણીય ખંડપીઠને સોપવા નિર્ણય લીધો છે તો શબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના અધિકારને માન્ય રાખતા સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને પણ પુન: વિચારણા માટેની અરજી પરથી આ કેસ માટે નવ જજોની ખંડપીઠ સમક્ષ મોકલાયો છે. હવે તેજ ખંડપીઠ દાઉદી વ્હોરા સમુદાયમાં જે લાંબા સમયથી ચાલી આવતી બહિષ્કાર- સમુદાય બહાર મૂકવાની પરંપરા યોગ્ય ગણાય કે કેમ તે પણ ચકાસશે.

આ ખંડપીઠ આ બન્ને કેસ ઉપરાંત ધાર્મિક સ્થળોમાં મહિલાઓના પ્રવેશના હકકનો મુદો પણ સર્વાંગી રીતે વિચારશે. આજે દાઉદી વ્હોરા સમુદાયના કેસની સુનાવણી સમયે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જ શબરીમાલા કેસ જે નવ જજોની બંધારણીય ખંડપીઠ છે તેને આ કેસ પણ સુપ્રત કરવા રજુઆત કરી હતી. અગાઉ આ અંગે 1962માં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય ખંડપીઠે પણ દાઉદી વ્હોરા સમુદાય અંગે ચૂકાદો આપ્યો હતો તેથી પાંચ જજોની ખંડપીઠ હવે તેની સમીક્ષા કરે તે યોગ્ય ગણાશે નહી તેવી દલિત કરી હતી. ઉપરાંત પક્ષકાર વતી રજુ થયેલા સીનીયર ધારાશાસ્ત્રી ફલી નરીમાને પણ નવ જજોની બંધારણીય ખંડપીઠને સુપ્રત કરવામાં સંમતિ દર્શાવી છે. અગાઉ પાંચ જજોની ખંડપીઠ એ મુદા પર ચૂકાદો આપવાની હતી

કે શું દાઉદી વ્હોરા સમુદાયમાં જે રીતે સમુદાયના વડા દ્વારા ચોકકસ કારણોસર સમુદાયના કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને બહિષ્કાર- સમુદાય કોઈ સંબંધ ન રાખે તેવા આદેશ અપાય છે. તે શું મહારાષ્ટ્ર પ્રોટેકશન ઓફ પીપલ ફ્રોમ સોશ્યલ બોયકોટ (પ્રિવેન્શન- પ્રોહિબીશન એન્ડ રીડ્રેસલ) એકટ છતાં પણ જે તે સમુદાયની ‘રક્ષીત- ધાર્મિક પ્રેકટીસ’ ગણાવી શકાય! જે કાનન 2016થી મહારાષ્ટ્રમાં અમલી છે તેમ છતાં પણ દાઉદી વ્હોરા સમુદાયમાં આ પદ્ધતિ પ્રચલિત છે અને આ કાનૂનમાં તમામ આ પ્રકારના બહિષ્કાર સામે કાનુની રીતે ફરિયાદ નોંધાવી શકાય છે. જો કે આ કાનૂન ફકત મહારાષ્ટ્ર પુરતો જ અમલી છે તેથી સુપ્રીમ કોર્ટની ખંડપીઠ દેશમાં આ પ્રકારની પ્રથા સામે અપીલની સુનાવણી કરે તે જરૂરી છે.દાઉદી વ્હોરા સમુદાય વતી સૈયદના તાહેર સૈફુદીન દ્વારા મહારાષ્ટ્રનો 2016નો કાનૂન રદ કરવાની રીટ અરજી દાખલ કરી તેમાં દલીલ કરવામાં આવી હતી કે બંધારણની કલમ 25-26 હેઠળ તેઓને ધાર્મિક સ્વતંત્ર આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો