skip to content

રાજકોટમાં કોંગ્રેસના ગઢનો ભૂક્કો : ભાજપને ‘ઉમ્મીદ થી અધિક’

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીના આજે આવેલા સંપૂર્ણ ભાજપ તરફી ચુકાદાએ કોંગ્રેસને તો ઉંડા આઘાતમાં મુકી દીધી છે, પરંતુ સાથે સાથે ભાજપને પણ જોરદાર સુખદ આંચકા આપ્યા છે. ભાજપની અપેક્ષાથી વધુ વિશ્ર્વાસ મતદારોએ મુકયો છે. અનેક વોર્ડમાં કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડા પાડી દીધા છે. નવી નીતિ હેઠળ ભાજપે મોટા ભાગના જુના જોગીઓને ટીકીટમાંથી કાપી માત્ર 11 કોર્પોરેટરોને ટીકીટ આપી હતી તો કોંગ્રેસે માથાઓ સહિતના 22 કોર્પોરેટરોને ફરી મેદાનમાં ઉતાર્યા હતા.

આજની ચૂંટણીના પરિણામમાં ભાજપે જે મોટી જીત હાંસલ કરી હોય તેમાં વોર્ડ નં.16 સૌથી ઉપર આવે છે. કારણ કે વિસ્તાર કોંગ્રેસ સમર્પિત છે. વોર્ડ નં.11માં પણ કોંગ્રેસના સુપડા સાફ થયા છે. વોર્ડ નં.17માં માથાઓની લડાઇમાં ભાજપ જીતી ગયો છે. તો વોર્ડ નં.4ને ફરી ભાજપે ગઢ બનાવી લીધો છે. વોર્ડ નં.13માંથી કોંગ્રેસની વિદાય થઇ ગઇ છે. તો વોર્ડનં.10માંથી કોંગ્રેસના એકટીવ કોર્પોરેટર હારી ગયા છે.

કોંગ્રેસે 22 પૂર્વ કોર્પોરેટરો અતુલભાઇ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઇ આસવાણી, જાદવ સિમ્મીબેન, કાલરીયા મનસુખભાઇ, વસંતબેન માલવી, પારૂલબેન ડેર, પરેશભાઇ હરસોડા, જાડેજા ઉર્વશીબા, વિજયભાઇ વાંક, સંજયભાઇ અજુડીયા, ડાંગર જાગૃતિબેન, ડુડાણી મકબુલભાઇ, સોરાણી ભાનુબેન, વશરામભાઇ સાગઠીયા, ગેરીયા રસિલાબેન, પરસાણા વલ્લભભાઇ, ગાયત્રીબેન ભટ્ટ, ટાંક જયાબેન, જાડેજા ઘનશ્યામસિંહ, ધર્મિષ્ઠાબા જાડેજા, નિર્મળભાઇ મારૂને ટીકીટ આપી હતી.

જયારે ભાજપે દુર્ગાબા જાડેજા, દર્શિતાબેન શાહ, મનીષભાઇ રાડીયા, જયમીન ઠાકર, પરેશભાઇ પીપળીયા, દેવુબેન મનસુખભાઇ જાદવ, પુષ્કરભાઇ પટેલ, જયોત્સનાબેન ટીલાળા, જયાબેન ડાંગર, નીતિનભાઇ રામાણી, અનિતાબેન ગોસ્વામી મળી કુલ 11 નગરસેવક જ નવી ગાઇડલાઇન હેઠળ રીપીટ કર્યા હતા.

વોર્ડ નં.1
વોર્ડ નં.1માં ભાજપને ગઢ જળવાઇ રહ્યો છે. ભાજપે ઉતારેલા તમામ નવા ચહેરા વિજેતા બન્યા છે. પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ મહાપાલિકામાં એન્ટ્રી કરી છે. તો યુવા ઉમેદવાર હીરેન લાભુભાઇ ખીમાણીયા (આહિર)ના રૂપમાં ભાજપને નવો યુવા ચહેરો મળ્યો છે. તેમની સાથે ડો.અલ્પેશ મોરઝરીયા અને કોર્પોરેટર દુર્ગાબા જાડેજાની પૂરી પેનલ જીતી છે. આ વોર્ડમાંથી આગામી પાંચ વર્ષની બંને ટર્મમાં મનપાને મોટા પદાધિકારીઓ મળવાની પુરી શકયતા છે. આહિર સમાજના દાનવીર અને અગાઉ શિક્ષણ સમિતિ ચેરમેન તરીકે યાદગાર કામ કરનાર લાભુભાઇ ખીમાણીયા સહિતની ટીમ પર દરેક સમાજના લોકોએ વિશ્ર્વાસ મુકયાનું સાબિત થયું છે.

વોર્ડ નં.2
આ વોર્ડમાં ગત ચૂંટણીમાં ભાજપના તમામ ચાર કોર્પોરેટર ચૂંટાયા હતા અને ભાજપે એક સિવાયની પુરી પેનલ રીપીટ કરીને ભરોસો મુકયો હતો. તેમાં આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેનો જયમીન ઠાકર અને મનીષ રાડીયા ભાજપમાંથી ‘અડીખમ’ સાબિત થયા છે. તો પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહએ પણ પોતે કરેલા કામને સાબિત કર્યુ છે. તેમની સાથે મીનાબેન જાડેજા પણ પ્રથમ વખત ચૂંટાયા છે. પૂર્વ વિપક્ષી નેતા કોંગ્રેસના અતુલ રાજાણી વોર્ડ બદલાવીને વોર્ડ નં.રમાં આવતા આ વોર્ડની ચૂંટણી ભારે ગરમી સર્જી હતી. પરંતુ ‘108’ની પ્રતિષ્ઠા ધરાવતા અતુલ રાજાણીની ભૂલ કહો તો ભૂલ અને ભાજપ તરફી વાવાઝોડુ કહો તો તે, કોંગ્રેસની નાવ ડૂબી ગઇ છે.

વોર્ડ નં.3
આ વોર્ડ વર્ષોથી કોંગ્રેસના ગઢ જેવો રહ્યો છે. આ વખતે અતુલ રાજાણી વોર્ડ નં.રમાં ચાલ્યા જતા ચૂંટણી પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં કોંગ્રેસે લડી છે. તેમની સાથે અન્ય કોર્પોરેટર દિલીપ આસવાણી, કાજલબેન પુરબીયા, દાનાભાઇ હુંબલ મેદાનમાં હતા. જયારે ભાજપ તરફથી નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા, બાબુભાઇ ઉધરેજા, કુસુમબેન ટેકવાણી, અલ્કાબેન દવે ચૂંટણી લડયા છે.

વોર્ડ નં.4
વોર્ડ નં.4માં ભાજપે ફરી એન્ટ્રી મારી છે. ગત ટર્મમાં ભાજપના માત્ર એક અને કોંગ્રેસના ત્રણ સભ્ય ચૂંટાયા હતા તે બાદ પેટા ચૂંટણીમાં એક બેઠક ભાજપે જીતી હતી. આ વખતે કોંગ્રેસના સીટીંગ કોર્પોરેટર સીમીબેન જાદવ અને કોર્પોરેટરના પતિ ઠાકરશી ભાઇ ગજેરા હાર્યા છે. ભાજપના ચારે ઉમેદવાર કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, પરેશભાઇ પીપળીયા, કાળુભાઇ કુગસીયાનો વિજય થયો છે.

વોર્ડ નં. 5
વોર્ડ નં.પમાં ગત વખતે તમામ ચાર બેઠક પર ભાજપના ઉમેદવાર ચૂંટણી જીત્યા હતા તેમાં પાર્ટી ગાઇડલાઇન હેઠળ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, પૂર્વ કોર્પોરેટર અનિલ રાઠોડ ચૂંટણી લડી શકયા નથી. તો નારાજ દક્ષાબેન ભેંસાણીયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડયા છે. આ વોર્ડમાં ભાજપે ચારે નવા ચહેરા હાર્દિક ગોહિલ, દિલીપ લુણાગરીયા, રસિલાબેન સાકરીયા, વજીબેન ગોલતરને ટીકીટ આપી હતી. જે તમામ બેઠક ભાજપને મળી ગઇ છે.

વોર્ડ નં. 6
આ વોર્ડમાં પણ ભાજપના ત્રણ ઉમેદવાર બદલાયા છે. ગત વખતે આ વોર્ડના છેલ્લા પરિણામ સાથે ભાજપને બહુમતી મળી હતી. અહીંથી ભાજપે દેવુબેન જાદવ, મંજુબેન કુગશીયા, પરેશભાઇ પીપળીયા, ભાવેશભાઇ દેથરીયાને ટીકીટ આપી હતી. સામે કોંગ્રેસમાંથી બે પૂર્વ ડે.મેયર મોહનભાઇ સોજીત્રા, ભરત મકવાણા, કિરણબેન સોનારા, રતનબેન મોરવાડીયાને જંગમાં ઉતાર્યા હતા. આ વખતે પણ પ્રજા ફરી ભાજપ સાથે રહી છે.

વોર્ડ નં.7
વોર્ડ નં.7માં ભાજપે ગઢ જાળવી રાખ્યો છે. અહીં કોંગ્રેસ પગ મુકી શકી નથી. ભાજપ પેનલના યુવા અને શિક્ષિત ઉમેદવારો દેવાંગભાઇ માંકડ, નેહલ ચીમનભાઇ શુકલ, વર્ષાબેન પાંધી અને જયશ્રીબેન ચાવડાનો જંગી લીડથી આસાન વિજય થયો છે. પૂર્વ સ્ટે.ચેરમેન કશ્યપ શુકલએ આ વોર્ડમાં કોંગ્રેસને ચિત્રમાં પણ રહેવા દીધી નથી.

વોર્ડ નં.8
ભાજપના ગઢ જેવા વોર્ડ નં.8માં ભાજપના પાયા કોઇ હમમચાવી શકયુ નથી. અહીં ફરી ભાજપની પૂરી પેનલ સાથે ડો. દર્શનાબેન પંડયા, પ્રીતિબેન દોશી, અશ્ર્વિન પાંભર, બીપીનભાઇ બેરા મોટી લીડ સાથે ચૂંટાઇ આવ્યા છે. આ વોર્ડની લીડ પણ જબરી રહી છે.

વોર્ડ નં.9
ભાજપના આ વધુ એક કિલ્લા જેવા વોર્ડ નં.9માં ધારણા મુજબ જ જંગી લીડ સાથે ભાજપની પેનલ તરી ગઇ છે. પ્રમુખ કમલેશ મીરાણીએ આ વોર્ડમાં મજબુત કરેલા પાયા કોઇ ડગાવી શકયુ નથી. હવે વોર્ડ નં.9ને જ ‘ઘર’ બનાવનાર પૂર્વ સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ સાથે જીતુભાઇ કાટોડીયા, આશાબેન ઉપાધ્યાય, દક્ષાબેન વાછાણીનો વટભેર વિજય થયો છે. આ વોર્ડમાં ભાજપના સીનીયર અગ્રણી વિક્રમ પુજારા સહિતની ટીમે હરીફ ઉમેદવારો ગુમ થઇ જાય એવી કરેલી મહેનતના ફળ ભાજપે મળી ગયા છે. મતદાનના દિવસે બપોરે જ ક્રિકેટ રમનારા કમલેશ મીરાણી અને પુષ્કર પટેલે ભાજપ સિવાયના તમામની વિકેટ પાડી દીધી છે.

વોર્ડ નં.10
આ વોર્ડમાં ગત વખતે ચૂંટાયેલા કોંગ્રેસના એક માત્ર અને જાગૃત નગરસેવક મનસુખભાઇ કાલરીયા સહિતની પૂરી પેનલ હારી ગઇ છે. તો ભાજપના ચારે ઉમેદવારો જયોત્સનાબેન ટીલાળા, રાજેશ્ર્વરીબેન ડોડીયા, ચેતનભાઇ સુરેજા અને નરેન્દ્રસિંહ વાઘેલા ચૂંટાઇ આવ્યા છે.

વોર્ડ નં.11
વોર્ડ નં.11માં પણ કોંગ્રેસની સીટીંગ પેનલ ફેંકાઇ ગઇ છે. ગત ટર્મમાં ચારે નગરસેવક કોંગ્રેસના ચૂંટાયા હતા. આ વખતે ફરી ચૂંટણી લડેલા વસંતબેન માલવી, પારૂલબેન ડેર, પરેશભાઇ હરસોડા સાથે નવા ઉમેદવાર સુરેશ બથવારનો પરાજય થયો છે. તો ભારતીબેન પાડલીયા, લીલુબેન જાદવ, વિનુભાઇ સોરઠીયા અને રણજીતભાઇ સાગઠીયાની ભાજપની પેનલે મેદાન મારી લીધુ છે. ભાજપ નેતા રાજુભાઇ બોરીચાની ટીમની મહેનત સફળ થઇ છે.

વોર્ડ નં.12
મવડીનો આ વોર્ડ કોંગ્રેસે ગઢની જેમ ઉભો કરેલો છે. આ વોર્ડમાંથી સેવાભાવી પ્રવૃતિથી પણ લોકો વચ્ચે રહેનારા વિજય વાંક, સંજય અજુડીયા, ઉર્વશીબા જાડેજા સાથે આ વખતે મીતાબેન મારડીયા ચૂંટણી લડયા છે. તો ભાજપે અસ્મિતાબેન દેલવાડીયા, મીતલબેન લાઠીયા, પ્રદિપ ડવ અને મગનભાઇ સોરઠીયાને ટીકીટ આપી હતી. આ વોર્ડમાં પણ કોંગ્રેસને આંચકા લાગી ગયા છે.

વોર્ડ નં.13
વોર્ડ નં.13માં ભાજપે કોંગેસને આંચકો આપ્યો છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ અને ભાજપના એક સભ્ય ચૂંટાયા હતા. આ વખતે સક્રિય કોંગી નગરસેવક જાગૃતિબેન ડાંગરનો આંચકાજનક પરાજય થયો છે. તો પૂરી પેનલ સાથે ભાજપના ઉમેદવારો જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, નીતિન રામાણી, સુરેન્દ્રસિંહ વાળા વિજેતા બન્યા છે.

વોર્ડ નં.14
આ વોર્ડ પણ કાયમ ભાજપ સાથે રહેતા વિસ્તારની યાદીમાં છે. આ વખતે બે સિનીયર પૂર્વ મેયરો ઉદય કાનગડ અને ડો.જૈમન ઉપાધ્યાય ચૂંટણી લડતા ન હતા પરંતુ તેઓએ પોતાની ગેરહાજરી દેખાવા દીધી નથી અને કમળને વધુ ખીલવ્યું છે. આ વોર્ડમાં તો કોંગ્રેસના ત્રણ જ ઉમેદવાર બચ્યા હતા. આજના પરિણામમાં પૂર્વ કોર્પોરેટર કેતન ઠુંમર (પટેલ), નિલેશ જલુ, વર્ષાબેન રાણપરા અને ભારતીબેન મકવાણા મોટી લીડ સાથે ચૂંટાયા છે.

વોર્ડ નં.15
વોર્ડ નં.15 પણ કોંગે્રસનો ગઢ રહ્યો છે. અહીંથી કોંગ્રેસના વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, મકબુલ દાઉદાણી, ભાનુબેન સોરાણી સાથે કોમલબેન ભારાઇએ ચૂંટણી લડી છે. તો સામે કોંગ્રેસે મુકાબલા માટે ડો. મેઘાવીબેન સિંધવ, ગીતાબેન પારધી, વિનુભાઇ કુમારખાણીયા, વરજાંગભાઇ હુંબલને ઉતાર્યા હતા. આ વોર્ડમાં છેલ્લે સુધી કસોકસની લડાઇ રહી હતી.

વોર્ડ નં.16
કોઠારીયા રોડ પર વોર્ડ નં.16ના કોંગ્રેસના ગઢ જેવા જંગલેશ્ર્વર સહિતના વિસ્તારમાં ભાજપે કેસરીયો લહેરાવ્યો છે. ગત ટર્મમાં અહીં ચારે સભ્યો કોંગ્રેસના હતા. તો આ વખતે થોડી રસાકસી બાદ ભાજપની પુરી પેનલ ચૂંટાઇ છે. જેનો મોટો જશ રાજકોટ-68ના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને જાય છે. અહીં ભાજપના કંચનબેન સિદ્ધપુરા, રૂચીતાબેન જોશી, સુરેશભાઇ વસોયા અને નરેન્દ્રભાઇ ડવનો વિજય થયો છે.

વોર્ડ નં.17
વોર્ડ નં.17માં ગત ચૂંટણી વખતે ભાજપના એક કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામી ચૂંટાયા હતા અને કોંગ્રેસના ત્રણ નગરસેવક આવ્યા હતા. આ વખતે શહેર પ્રમુખ અશોક ડાંગર, પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ એન. જાડેજા, જયાબેન ટાંક સાથે વસંતબેન પીપળીયા ચૂંટણીમાં ઉતર્યા હતા. તો ભાજપે ફરી અનિતાબેન ગોસ્વામી, પૂર્વ ડે.મેયર વિનુભાઇ ધવા, કિર્તીબા રાણા, રવજીભાઇ મકવાણાને ટીકીટ આપી હતી.

વોર્ડ નં.18
કોઠારીયા રોડના આ વધુ એક વોર્ડમાં ગત વખતે ચારે સીટ કોંગ્રેસને મળી હતી. આ વખતે પૂર્વ નગરસેવકો ધર્મિષ્ઠાબા જાડેજા, નિર્મલભાઇ મારૂ ઉપરાંત હસમુખભાઇ સોજીત્રા અને નીતાબેન સોલંકી ચૂંટણી જંગમાં હતા. સામે ભાજપે દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, સંજયસિંહ રાણા, સંદિપભાઇ ગાજીપરાને ટીકીટ આપી હતી. આ વિસ્તારમાં પણ ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો