Placeholder canvas

ગુજરાતમાં સૌપ્રથમવાર જામનગરમાં સ્થપાયેલી ગાંધીજીના હત્યારા ગોડસેની પ્રતિમા કોંગ્રેસે તોડી નાખી.

નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે હિન્દુસેનાએ સ્થાપિત કરી હતી ગોડસેની પ્રતિમા
24 કલાક પણ ન રહી પ્રતિમા, ગરદન અલગ કરી દઈને ફેંકી દેવાઈ
ગાંધીવિચારના સમર્થકો પણ આ તોડફોડ કરીને હિંસાનું શરણ લઈ ગોડસેના માર્ગે ચાલ્યા છે : હિન્દુસેના

જામનગરમાં હિન્દુ સેના દ્વારા નથુરામ ગોડસેના પુણ્યતિથિ નિમિત્તે નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરાયાના પુરા 24 કલાક પણ નથી થયા ત્યાં જ કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતનાએ ત્યાં ત્રાટકીને ગોડસેની પ્રતિમાને તહસનહસ કરી નાખી હતી. હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટે આ અંગે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે, અહિંસાના પૂજારી હિંસા ન માર્ગે વળી ગયા. ગાંધી વિચારના સમર્થકો ગોડસેના માર્ગે આગળ વધ્યા. જામનગરમાં નથુરામ ગોડસેની પ્રતિમાને તોડીને એને પ્રતિમાને પહેરવેલો ભગવો તેમજ શ્રીરામ લખેલી શાલને પણ કચરામાં ફેંકી કોંગ્રેસે ધર્મનું અપમાન કર્યું છે. ભગવાનને પણ નથી છોડ્યા, એ સમાજને શું છોડશે ?’

ગત 8મી સપ્ટેમ્બરનાં રોજ હિન્દુ સેનાની બેઠક મળી હતી, જેમાં 15 નવેમ્બર 2021નાં રોજ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમા બેસાડી ભારતના યુવાધનને રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિ માટે ખપી જવાનો પ્રેરણાત્મક સંદેશો આપવાનો નિર્ણય કરાયો હતો. તંત્ર પાસે પ્રતિમા માટે જગ્યાની માંગણી પણ કરાતા આ અંગે વિવાદ ઉઠ્યા હતા. તંત્ર દ્વારા કોઈ જગ્યા ન ફાળવાતા અને લેખિતમાં કોઈ જવાબ ન મળતાં આખરે હિન્દુ સેનાએ જામનગરમાં દરબારગઢ પાછળ આવેલા દુધિયા હનુમાન આશ્રમ ખાતે 15મી નવેમ્બરના રોજ નથુરામ ગોડસેની પ્રતિમા પ્રસ્થાપિત કરી હતી.

જેમાં હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ તેમજ મંદિરના મહંત સંપતબાપુની હાજરીમાં આ પ્રતિમા સ્થાપવામાં આવી હતી. જોકે, આજે સવારે કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના કાર્યકરોએ ત્યાં ધસી જઈને નથુરામ ગોડસેની પ્રતિમાને પથ્થરો મારી તોડફોડ કરી પ્રતિમા ઊખાડીને ફેંકી દીધી હતી. આ મામલે હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટે કહ્યું હતું કે, ‘ગોડસેની પ્રતિમાને તોડીને એને પ્રતિમાને પહેરવેલો ભગવો તેમજ શ્રીરામ લખેલી શાલને પણ કચરામાં ફેંકી કોંગ્રેસે ધર્મનું અપમાન કર્યું છે.’

આ સમાચારને શેર કરો