skip to content

યુવરાજસિંહના સાળા કાનભાની કબૂલાત ‘અમે મારા ભાઈની ઓફિસે એક કરોડની ડીલ કરી હતી’, પોલીસે 38 લાખ જપ્ત કર્યા

ડમીકાંડ મામલે ભાવનગર પોલીસે 21 તારીખે યુવરાજસિંહની 9 કલાક લાંબી મેરેથોન પૂછપરછ કર્યા બાદ આઈપીસી ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યાર બાદ શનિવારે કોર્ટે યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની પણ સુરતથી ધરપકડ કરાઇ હતી. ત્યારે આ મામલે પોલીસે આરોપી કાનભા ગોહિલ પાસેથી રૂપિયા 38 લાખ રિકવર કરવામાં કર્યા છે.

ડમીકાંડને ઉજાગર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હવે ખુદ ડમીકાંડમાં ફસાયો છે. ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ, તેના બે સાળા અને બિપિન ત્રિવેદી સહિત છ લોકો સામે ખંડણી અને કાવતરા સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાંથી ચારની ધરપકડ કરી લેવામાં આવી છે. યુવરાજસિંહે પ્રેસ-કોન્ફરન્સમાં નામ જાહેર ન કરવા માટે પ્રકાશ દવે ઉર્ફે પી.કે. દવે પાસેથી 45 લાખ રૂપિયા અને પ્રદીપ બારૈયા પાસેથી 55 લાખ રૂપિયા ધમકી આપી લીધા હોવાનું પોલીસે ફરિયાદમાં જણાવ્યું છે. હવે આ મામલે પોલીસે ડીલ થયા પ્રમાણે યુવરાજસિંહે સ્વીકારેલાં નાણાં તેના સાળા કાનભાને આપ્યા હતા અને એ નાણા કાનભાએ તેના મિત્રના ઘરે બેગમાં રાખ્યા હતા. એમાથી SITની ટીમે 38 લાખની રિકવરી કરી સરકારી પંચોને સાથે રાખી પંચનામું કર્યું છે.

યુવરાજસિંહના સમર્થનમાં કરણીસેના આવી…

જે. પી. જાડેજા (કરણીસેનાનાં અગ્રણી)

તાજેતરમાં ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી તેનાં રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ત્યારે યુવરાજસિંહ ગુનેગાર નહીં હોવાના દાવા સાથે કરણીસેના મેદાનમાં આવી છે. યુવરાજસિંહ સરકારી ભરતીઓમાં થતા ભ્રષ્ટાચારને દૂર કરવાનું કામ કરતા હોવાથી તેનો અવાજ દબાવવા તેમની ધરપકડ કરવામાં આવી હોવાનો આરોપ કરણીસેનાનાં અગ્રણી જે. પી. જાડેજાએ લગાવ્યો છે. આ સાથે યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં આગામી 26 એપ્રિલે તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં કલેકટર અને મામલતદારને આવેદન આપવા તમામ સમાજને અપીલ કરી છે. સાથે જ યુવરાજસિંહના પરિવારને પણ રક્ષણ આપવા જણાવ્યું છે.

આ સમાચારને શેર કરો