વાંકાનેર: પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળીને યુવાને આપઘાત કર્યાની ફરિયાદ

વાંકાનેર : રાતીદેવડી ગામે યુવાનના આપઘાત પ્રકરણમાં પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને યુવાનને વખ ઘોળી લીધું હોવાની ફરિયાદ યુવાનના પિતાએ કરી છે. યુવાનના આ આપઘાત કેસમાં તેની પત્ની અને સાસરિયાઓ સામે મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાયો છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામના વતની અને હાલ ગાંધીનગર સેકટર નં-૨૫ જી.આઇ.ડી.સી. બ્લોક નં-૨૫ મકાન નં- ૨૦ માં રહેતા જયંતિભાઇ બેચરભાઇ સોલંકીના પુત્ર મહેશ (ઉ.વ ૨૫) એ વાંકાનેરના નવી રાતીદેવડી ગામે રહેતા તેના સાસરે જઈને તા.૨૯ ના રોજ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે મૃતકના પિતાએ યુવાનની પત્ની સુમનબેન ગીરધરભાઇ વીકાણી તથા સાસરિયા પારૂબેન ગીરધરભાઇ કરશનભાઇ વીકાણી, ગીરધરભાઇ કરશનભાઇ વીકાણી (રહે નવી રાતીદેવડી, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના દિકરા મહેશના લગ્ન આરોપી સુમનબેન સાથે પાંચેક વર્ષ પહેલા થયેલ હોય. લગ્નજીવન દરમ્યાન તેની સાસુ તથા સસરાએ રસોઇ બનાવવા બાબતે તેમજ માવતરે જ રહેવુ તેવા કારણે પોતાની દીકરીને ચડામણી કરી તે મુજબ વર્તન વહેવાર કરી ત્રણેય આરોપીઓએ ફરિયાદીના દિકરાને હેરાન પરેશાન કરી ત્રાસ આપતા હતા. તે ત્રાસથી કંટાળી જતા ફરિયાદીના દિકરાને આપઘાત કરવા ફરજ પાડતા ફરિયાદીના દિકરાએ પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
