રાજકોટ: મગફળી ખરીદીનીમાં ગેરરીતિ નહી ચલાવવા કલેક્ટરનો નિર્દેશ

રાજકોટના 18 ખરીદ સેન્ટરોમાં ટેકાના ભાવે ચાલતી મગફળીની ખરીદીમાં વચેટીયા દ્વારા સેમ્પલ પાસ કરાવી દેવાના નામે ખેડૂતો પાસે મંગાતા નાણાંની સ્ફોટક વિગતો બહાર આવ્યા બાદ કોઇ ખેડૂતોએ પૈસા આપવા નહીં તેવી અપીલ જિલ્લા કલેક્ટરે કરી ને તમામ ખરીદ સેન્ટરોમાં ના. મામલતદાર કક્ષાના કર્મચારીઓને કામગીરીનું સુપરવીઝન સોંપી દેવાના હુકમ કર્યા હોવાનું પુરવઠા ખાતાના સૂત્રોમાંથી જાણવા મળેલું છે. બીજી તરફ મગફળીકાંડમાં લાંચ મંગાયાના અહેવાલો બાદ જિલ્લા કલેક્ટરે સમગ્ર ઘટનાનો હકીકતલક્ષી અહેવાલ પુરવઠા સચિવને મોકલી આપ્યો હોવાનું પુરવઠા ખાતાના સૂુત્રોમાંથી જાણવા મળેલ છે.

રાજકોટ જિલ્લાના પડધરી યાર્ડમાં ત્રણ દિવસ પહેલા ખેડૂતની મગફળીનું સેેમ્પલ પાસ કરાવી દેવા માટે રામપરા ગામના મેટાડોર ચાલકે અધિકારીના નામે 2500 રુપિયા ખેડૂત પાસેથી પડાવ્યાની ઘટના બહાર આવ્યા બાદ આ મામલો ગરમાયો છે. આ બનાવમાં મેટાડોર ચાલક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે સંદર્ભનો રિપોર્ટ જિલ્લા કલેક્ટર પાસે પુરવઠા મંત્રીએ માંગતા નાગરિક પુરવઠા નિગમના મેનેજર પાસેથી સમગ્ર ઘટનાનો રિપોર્ટ તેમજ એફઆઈઆરની કોપી પડધરી મામલતદાર પાસેથી મંગાવીને જિલ્લા કલેકટરે સમગ્ર ઘટનાનો રિપોર્ટ પુરવઠા સચિવને કરી દીધો છે.

દરમિયાન જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને મગફળી ખરીદીમાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે રાજ્ય સરકારની સૂચનાથી આજે શહેર અને જિલ્લાના 18 જેટલા મગફળી ખરીદ સેન્ટરોમાં એક-એક ના. મામલતદારની નિમણુંક કરી દીધી છે. આ ના. મામલતદારો મગફળીની સમગ્ર કામગીરીની દેખરેખ કરશે અને સુપરવીઝન કરી તેનો રિપોર્ટ જિલ્લા કલેકટરને કરશે તેવું પુરવઠા ખાતાના સૂત્રોએ અંતમાંઉમેયું હતું.

આ સમાચારને શેર કરો