skip to content

ગુજરાત:CM રૂપાણી આજે પાકિસ્તાની હિન્દુઓને આપશે ભારતની નાગરિકતા

દેશના અનેક રાજ્યોમાં નાગરિક સંશોધન બિલનો વિરોધ થઇ રહ્યો છે. તેવા સંજોગોમાં ગુજરાતના કચ્છ, મોરબી, રાજકોટ અને બનાસકાંઠામાં રહેતા 3500 હિન્દુ પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવા માટેની કાર્યવાહીનો પ્રારંભ થશે. સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તેના અમલીકરણની દિશામાં ગુજરાત અગ્રેસર બનશે. કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયા આ તમામ લોકોને એકત્રિત કરી તેમની નોંધણી કરશે.

ગુજરાત સરકાર દ્વારા નાગરિકતા આપવામાં આવી રહેલાઓમાં પાકિસ્તાનથી ભારત આવેલા સોઢા રાજપૂત સમાજના લોકો છે. જેઓ વર્ષોથી ગુજરાતમાં આવીને વસી ગયા છે અને હાલમાં તેમની ભાષા પણ ગુજરાતી જ છે. તેઓ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયેલાં અત્યાચારોથી ત્રાસીને ભારત આવીને વસી ગયા છે. આ શરણાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો મોરબીમાં હાલ 1100 લોકો, રાજકોટમાં 1000, કચ્છમાં 250 લોકો, બનાસકાંઠા 500 લોકો અને બાકીના અન્ય જિલ્લાઓમાં કેટલાક લોકો વસવાટ કરી રહ્યાં છે.

કેન્દ્રિય મંત્રી માંડવિયાએ આ મુદ્દે જણાવ્યું કે, કાયદેસર રીતે આ તમામ લોકોને કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજનાનો લાભ મળતો નથી, જેના કારણે કોઇ સરકારી યોજના લાગૂં કરવામાં આવે તેનો લાભ પણ તેઓ લઇ શક્તા નથી. આ લોકોની સ્થિતિ એવી છે કે હવે તેઓ ફરી પાકિસ્તાન જઇ શકે તેમ પણ નથી. તો પછી શરણાર્થીના બદલે તેમને કાયદાકિય રીતે ભારતની નાગરિકતા આપવામાં આવવી જોઇએ. ગાંધીધામમાં તેમના નામનું રજિસ્ટ્રેશન કરી કેન્દ્રીય ગૃહમંત્રાલયને મોકલવામાં આવશે. હવે જે લોકો 15થી 20 વર્ષથી ભારતમાં શરણ માટે આવ્યાં તેવા લોકોને દરેક પ્રકારની સરકારી યોજનાના લાભ મળી શકે, રોજગારી મળી શકે તે સાથે તેમની સાથે કોઇ પ્રકારનો અન્યાય ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

આ સમાચારને શેર કરો