Placeholder canvas

સોમવારથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: 15લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

122 કેદીઓ પણ આપશે પરીક્ષા : રાજ્યમાં 1625 કેન્દ્રો પરથી લેવાશે કસોટી : બે વર્ષમાં ત્રણ લાખ વિદ્યાર્થીઓ ઘટ્યા : સંવેદનશીલ કેન્દ્રો પર વિશેષ પોલીસ બંદોબસ્ત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા આગામી તા. 28ને સોમવારથી ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક ભાવીની કસોટીનો પ્રારંભ થનાર છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.ઓ રાજ્યભરમાં 15 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસનાર છે. રાજ્યમાં 81 ઝોનમાં 1625 કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે.

અહીં એ ઉલ્લેખનીય છે કે બે વર્ષમાં વર્ષ-2020ની પરીક્ષાની સરખામણીએ છેલ્લા બે વર્ષમાં બોર્ડના ત્રણ લાખ વિદ્યાર્થીઓ ઘટ્યા છે. જેમાં સૌથી વધુ ધો. 10માં 1.20 લાખ જેટલા વિદ્યાર્થીઓ ઘટ્યા છે જ્યારે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધારાતા 38 નવા કેન્દ્રો ઉમેરાયા છે.ધો. 10માં કુલ 968997 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસનાર છે.

ધો.10ની પરીક્ષા રાજ્યનાં 51 ઝોનમાં 958 કેન્દ્રો 3182 બિલ્ડીંગમાં અને 33231 બ્લોકમાં લેવાશે. જ્યારે ધો. 12 સાયન્સની પરીક્ષા રેગ્યુલર 95982 અને રીપીટર 11894 મળી કુલ 108067 વિદ્યાર્થીઓ રાજ્યના 140 કેન્દ્રો પરથી આપશે. ધો. 12 સાયન્સની પરીક્ષા માટે રાજ્યના 506 બિલ્ડીંગમાં અને 5460 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. રાજ્યમાં સામાન્ય પ્રવાહના 425834 વિદ્યાર્થીઓ 527 કેન્દ્રો પરથી પરીક્ષા આપનાર છે. સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 1406 બિલ્ડીંગો અને 13566 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં કુલ 1625 કેન્દ્રો 5094 બિલ્ડીંગો પરથી આ પરીક્ષા લેવાશે. રાજકોટ સહિત રાજ્યમાં 122 કેદીઓ પણ બોર્ડની આ પરીક્ષામાં બેસનાર છે. તા. 28ને સોમવારથી આ પરીક્ષાનો પ્રારંભ થતા જ રાજ્યભરમાં પરીક્ષા ફીવર છવાઈ જશે.

પરીક્ષામાં સીસીટીવી કેમેરાથી સજ્જ બિલ્ડીંગો પર જ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ ચોરી અને ગેરરીતીની ઘટનાઓ પર રોક લગાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. પરીક્ષાના પ્રથમ દિવસે કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવશે. પરીક્ષા દરમિયાન ચોરી અને ગેરરીતીનાં બનાવો પર રોક લગાવવા માટે દરેક જિલ્લાઓમાં ફલાઈંગ અને સ્થાનિક સ્કવોડ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પરીક્ષા કેન્દ્રોની તપાસણી કરવામાં આવનાર છે.પરીક્ષા દરમિયાન સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્રો પર વિશેષ પોલીસ બંદોબસ્ત મુકવામાં આવનાર છે. બોર્ડની આ કસોટી શરુ થતા જ પરીક્ષા કેન્દ્રો વિસ્તારમાં 144મી કલમ લાગુ પડી જશે.

આ સમાચારને શેર કરો