Placeholder canvas

ગુજરાત અને દેશમાંથી નૈઋત્ય ચોમાસાની વિદાયની શરૂઆત

ગુજરાત તથા દેશનાં અમુક ભાગોમાંથી નૈઋત્ય ચોમાસાની આજથી વિદાયની શરુઆત થઈ ગઈ છે જો કે સૌરાષ્ટ્ર-ગુજરાતના અમુક ભાગોમાં તા.6થી12 દરમ્યાન ખાસ કરીને તા.8થી10 વચ્ચે ઝાપટા સાથે 1થી2 ઈંચ જેટલો વરસાદ પડવાની શકયતા છે તેવુ જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે જણાવેલ હતું.

તેઓએ વધુમાં જણાવેલ હતું કે દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસાની આજથી વિદાયની શરુઆત થઈ ગઈ છે. છેલ્લા ચાર થી પાંચ દિવસથી પશ્ચિમ રાજસ્થાનમાં ભેજ ઓછો થયો છે અને વરસાદ બંધ થયો છે અને જમીનથી દોઢ કિલોમીટર ઉંચાઈએ એન્ટીસાયકલોનીક સરકયુલેશન છવાઈ ગયું છે.

વધુમાં અશોકભાઈએ જણાવેલ હતું કે ચોમાસાની વિદાય રેખા હાલમાં 28.5 નોર્થ અને 72.5 ઈસ્ટ છે તેમજ બીકાનેર, જોધપુર, જાલેરને ત્યાંથી ભુજ અને ભુજથી 23 ડીગ્રી નોર્થ અને 68 ડીગ્રી ઈસ્ટ એટલે કે અરબી સમુદ્રમાં ચોમાસુ પહોંચી ગયું છે.

અશોકભાઈના જણાવ્યા મુજબ તા.6થી12 દરમ્યાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં 60 ટકા વિસ્તારમાં 15થી25 મીમી વરસાદની શકયતા છે અને નોર્થ સૌરાષ્ટ્ર તથા ગુજરાત અને કચ્છમાં મુખ્યત્વે સુકુ વાતાવરણ રહેશે. આજ રીતે મધ્ય ગુજરાતમાં 60 ટકા વિસ્તારમાં 15થી20 મીમી વરસાદ થશે અને દક્ષિણ ગુજરાતમાં 25થી50 મીમી વરસાદની શકયતા છે.

આ સમાચારને શેર કરો