Placeholder canvas

મેઘરાજા હજુ થોભવાના નથી: આજે ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી…

ગુજરાતમાં ઓગસ્ટ કોરોધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બરમાં ભુક્કા બોલાવી દે તેવી રીતે વરસાદ ખાબકી રહ્યો છે. દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેને અડીને આવેલા મધ્યપ્રદેશ પર વેલમાર્ક લો પ્રેશર સર્જાયું છે, જ્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ઠેર-ઠેર તોફાની બેટિંગ કરી છે. ત્યારે આજે પણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

આજે આ જિલ્લાઓમાં પડશે વરસાદ
આજે 19 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ભરૂચ, સુરત, બનાસકાંઠા, પાટણ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, અમરેલી, જૂનાગઢ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી છે.

20 સપ્ટેમ્બરે કચ્છમાં ભૂક્કા બોલાવશે
20મી તારીખ એટલે કે બુધવારે કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કચ્છમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલે પણ કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 19 સપ્ટેમ્બરે બનાસકાંઠામાં પડશે અતિભારે વરસાદ પડશે. ભારે વરસાદને પગલે બનાસકાંઠાની નદીઓમાં પૂરની સ્થિતી સર્જાશે. જળાશયોમાં વરસાદના કારણે જળ તાંડવની શક્યતા રહેશે. બનાસકાંઠા ઉપરાંત કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. કચ્છના વાગડ સહિત પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ પડશે. કચ્છમા ભારેથી અતિભારે વરસાદના કારણે સતર્ક રહેવું જરૂરી છે.

આ ઉપરાંત કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, આદીપુર, માંડવી, જખાઉ, નખત્રાણા અને ભુજમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત થરાદ, વાવ, ઈકબાલગઢ, તખતગઢ, કાંકરેજ, સૂઈગામના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. સાથે જ જામનગરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને હળવદમાં પણ વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ અન્ય ભાગોમાં વરસાદની શક્યતા છે.

વરસાદી સિસ્ટમ 21 સપ્ટેમ્બરે અરબ સાગરમાં જશે…
તેઓએ જણાવ્યું કે, આગામી 23-24 સપ્ટેમ્બર સુધી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘમહેર રહેશે. આ સમયગાળા દરમિયાન મુંબઇ-મહારાષ્ટ્રના ભાગો સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર-મધ્ય ગુજરાત તેમજ પંચમહાલના વિસ્તારોમાં 21 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે, હાલ ચાલતી વરસાદી સિસ્ટમ 21 સપ્ટેમ્બરે કચ્છ થઇને અરબ સાગરમાં પહોંચશે.

આ સમાચારને શેર કરો