ટંકારામા કોંગ્રેસના ઉમેદવારના ભાઈ ઉપર હુમલો:ફરિયાદ નોંધાઈ


By Jayesh Bhatashna (Tankara)

ટંકારા : ટંકારામાં ગઈકાલે ચૂંટણી દરમિયાન ટંકારા બેઠકના કોંગ્રેસના જીલ્લા પંચાયતના ઉમેદવારના ભાઈ ઉપર બે શખ્સોએ પાવડાથી હુમલો કર્યો હતો. ચૂંટણી સમયે જ આ હીંચકારા હુમલાની ઘટનાથી રાજકીય આલમમાં ધેરા પડઘા પડ્યા હતા. બાદમાં મોડેથી આ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ભાજપના તા.પં.ના ઉમેદવારના પિતરાઈ ભાઈ સહિત બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

રવિવારે સવારથી ટંકારામા તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણી અંતર્ગત મતદાન ચાલી રહ્યુ હતુ. એ ટાંકણે જ ટંકારા બેઠકના કોંગ્રેસના જીલ્લા પંચાયતના ઉમેદવાર ભુપત ગોધાણીના નાના ભાઈ ભરત મોહનભાઈ ગોધાણી શહેરના દેવીપૂજક વિસ્તારમા જતા વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે ભાજપના તા. પં. ના ઉમેદવારના પિતરાઈ ભાઈ સહિતના બે શખ્સોએ ભરત ગોધાણી સાથે પ્રારંભે શાબ્દિક બબાલ કરી ગાળાગાળી કયાઁ બાદ હુમલો કરતા કોંગી ઉમેદવારના ભાઈના માથામાં પાવડાના ઘા મારી હુમલો કરતા તે સ્થળ પર ઢળી પડ્યા હતા.

તાત્કાલિક સાથેના મિત્રોએ ભરત ગોધાણીને લોહી નિંગળતી હાલતે હોસ્પિટલે સારવારમા ખસેડયા હતા. આ બનાવની જાણ થતા ધારાસભ્ય લલિત કગથરા ઉપરાંત કોંગ્રેસના ઉમેદવાર ભુપત ગોધાણી સહિતના અનેક ઘટના સ્થળ બાદ હોસ્પિટલે દોડી ગયા હતા. આ મામલે મોડેથી ઈજાગ્રસ્તે વિધીવત પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જેમા હુમલો કરનાર તરીકે તા.પં. ટંકારા-૩ બેઠક ભાજપના ઉમેદવાર સલીમભાઇ અબ્રાણીનો કાકાનો દિકરો ગફાર ઈબ્રાહીમભાઈ અબ્રાણી અને મુસ્તુફા જુસબભાઈ ફકીરે હુમલો કર્યા નુ જણાવ્યું હતુ. જાણવા મળ્યા પ્રમાણે હુમલો કરનાર ગફાર ટંકારાના પૂર્વ સરપંચ ઈબ્રાહીમભાઈ અબ્રાણીનો પુત્ર થાય છે.

આ સમાચારને શેર કરો