Placeholder canvas

લતીપરમાં રાત્રે બે અજાણ્યા શખ્સો શ્રમિક દંપતિ પર ધારિયા વડે તૂટી પડ્યા…

ધ્રોલના લતીપર ગામની સીમમાં એક ખેતરમાં રાત્રે શ્રમિક દંપતી પર બે અજાણ્યા શખ્સે ખેતરમાં ઘૂસીને ધારીયા વડે જીવલેણ હુમલો કરી બંનેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત દંપતીને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે હુમલાખોરોની સઘન શોધ શરૂ કરી છે. હુમલાખોરો લૂંટના ઈરાદે કે અન્ય ક્યા ઈરાદે ખેતરમાં પ્રવેશ્યા તે બાબતની તપાસ પણ કરાઈ રહી છે.

ધ્રોલ તાલુકાના લતીપર ગામની સીમમાં જયંતિભાઈ જાદવભાઈ તળપદા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના વતની કમલેશ જામસિંગ ઉર્ફે કમલ વાસકેલીયા નામના આદિવાસી શ્રમિક અને તેમના પત્ની સતરબાઈ રાત્રે વાડીમાં હતા ત્યારે રાત્રિના સમયે 12.00 વાગ્યે બે અજાણ્યા શખ્સ વાડીમાં પ્રવેશ્યા હતા. આ શખ્સોને પડકારવામાં આવતા તેઓએ ધારીયા વડે કમલેશ પર હુમલો કર્યો હતો. આ યુવાનને હાથમાં ધારીયાના ત્રણ ઘા ઝીંકી દેવાયા હતા અને પગમાં પણ ધારીયું ઝીંકાતા તે યુવાન લોહીલુહાણ બની ઢળી પડ્યો હતો. તે પછી સતરબાઈ પર બંને શખ્સો હુમલો કરી ડાબા હાથનો પહોચો કાપી નાખ્યો હતો અને જમણા હાથના ત્રણ આંગળા પણ કાપ્યા હતા. તે ઉપરાંત આંખ નીચે તેમજ ડોક પાસે પણ સતરબાઈને ધારીયું ઝીંકવામાં આવ્યું હતું.

બંને પતિ-પત્નીને ગંભીર ઈજા પહોંચાડી હુમલાખોરો પલાયન થઈ ગયા હતા. લોહી લોહાણ દંપતીને સારવારમાં ખસેડવામાં આવ્યું છે. બનાવની જાણ થતાં ધ્રોલના પીએસઆઈ પી.જી. પનારા દોડી ગયા હતા. પોલીસે બંને હુમલાખોર સામે આઈપીસી 307, 326, 114, જીપી એક્ટની કલમ 135 (1) હેઠળ ગુનો નોંધ્યો છે. આ શખ્સો ક્યા ઈરાદાથી વાડીમાં ઘૂસ્યા? હુમલાખોરો કોણ હતા? વગેરે અનુત્તર પ્રશ્નોના ઉત્તર મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવે રાત્રિના સમયે વાડીમાં રહેતા શ્રમિક વર્ગમાં ભય સાથે ચિંતા પ્રસરાવી છે.

આ સમાચારને શેર કરો