Placeholder canvas

ટંકારા આર્ય સમાજની સ્થાપના, શતાબ્દી મહોત્સવની ઉજવણી અને મહર્ષિ દયાનંદ સરસ્વતીના પુર્વજનો પરીચય

(અંક – 2)

By જયેશ ભટાસણા -ટંકારા
ટંકારા : ગતાંકમાં વાંચ્યું એ પ્રમાણે નિમંત્રણ પાઠવ્યા બાદ યુગ પુરૂષ સ્વામી દયાનંદ સરસ્વતીની પાવન જન્મ ભુમી ટંકારા ખાતે 7 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી (ઈ. સ.1924/25) શિવરાત્રી સુધી પાંચ દિવસ જન્મ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી જેમા ધણી ખરી સફળતા પણ મળી કારણકે આર્ય જગતના અને રાજધરાનામાથી અનેક નરેશ અને હસ્તીઓ હાજર રહી જેથી આ પ્રસંગની વાતનો (સૌરાષ્ટ્ર) કાઠિયાવાડ ગુજરાતમાં લાકડીયો તાર શરૂ થયો અને ચૈતન્ય મહારથીની વાતો ગુજરાત સહિત દેશભરના ગલિયારામા ગુંજવા લાગી અને હિન્દુ વિચારકોમા પ્રશ્નો પણ ઉઠવા લાગ્યા. પરંતુ ઉજવણી પછી પાછળથી એક મોટો સવાલ એ ઉભો થયો કે આર્યસમાજના સ્થાપક, વૈદ પ્રચારક, સત્યાર્થ પ્રકાશના સર્જક, યોગી, બ્રહ્મચારી, આઝાદીના પ્રથમ ઉદઘોષક કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર) ગુજરાતમાં સ્વામીજીની માહિતી કે આર્યસમાજના કાર્ય અંગે કોઈ વાકેફ નથી અને જે થોડા ધણા લોકો આર્યસમાજને જાણતા હતા એ પણ વિરોધ કરી એમને નાસ્તિક સમજતા હતા. જેથી ગુજરાતને હવે ખોટી ભ્રમણા અજ્ઞાનતાના અંધકાર માથી પ્રકાશમાં લઈ આવી ઋષિના વિચાર જણાવવા મિટીંગ મળી અને વિચાર વિમર્શ ચાલુ થયા.

આજુ બાજુનાં ગુજરાત રાજ્યના રાજવીઓને દયાનંદ સરસ્વતીની જન્મભુમી ટંકારાના સમાચાર મળ્યા હતા અને ધણા ખરા રાજાઓ ટંકારા શતાબ્દી મહોત્સવ દરમિયાન પધાર્યા હતા જેથી ઉત્સાહ સાથે અનેક વિદ્વાનો દ્વારા સૌ પ્રથમ તો ટંકારા ખાતે આર્ય સમાજ સ્મારક બનાવવા માટે કામ આગળ ધપાવવા કહ્યું તો કોઈએ ટંકારા ઋષિની સુંદર મૂર્તિ (સ્ટેચ્યૂ) મુકવાની માંગણી કરી (મૂર્તિ પુજાના વિરોધી સ્વામીજીની મૂર્તિ મુકવાની મુર્ખતા સભર વાત ને ત્યારે એવુ કહીને નકારી કાઢી કે ભવિષ્યમાં દયાનંદની મૂર્તિ પુજા શરૂ થઈ જશેતો? ) ત્યાર બાદ ગુરુકુળ માટે વાત આગળ વધી જેમા બધાનો એક મત થયો. હવે આ બધી વાતો ત્યારે ચાલી રહી છે જ્યારે આર્ય વિદ્વાનો વિચારકો પાસે ટંકારામા એક ઈંચ પણ જગ્યા નથી અને હા આ વાર્તા લાપ સમયે જન્મસ્થાન પણ આમની (આર્ય સમાજી) હસ્તગત થયુ નથી એટલે સૌ આર્ય સમાજી જન્મસ્થળ ખરીદી કરી એજ જગ્યા ઉપર સંસ્કૃત પાઠશાળા શરૂ કરવા માટે સહમત થયા. પણ હવે શરૂ થઈ એવરેસ્ટ ચઢાણથી પણ અઘરી કસોટીની કારણ કે જન્મ સ્થાનની જાણ 100 વર્ષ પછી થતા એ જગ્યા પર દયાનંદના પારીવારીક ભત્રીજાનો કબ્જો હતો જેને શુ દયાનંદ સરસ્વતી? અને શુ આર્ય સમાજ? એની કોઈ ગતાગમ કે ગંભીરતા પણ ન હતી. અને પૈસાની લાલચ પણ જબરી હતી એટલે બજાર કરતા અદકા (વધારે) પૈસા માંગી જન્મ સ્થળ વાળી જગ્યા વહેચવા મુકી.

હજી તો આર્ય સમાજ પાસે એટલુ આર્થિક બળ કે સૌરાષ્ટ્રમાં એટલુ બધુ પ્રચલિત પણ નહોતું કે કોઈ સ્વામી ભક્ત આર્થિક મદદ કરી આ જગ્યા ખરીદી શકે એટલે જન્મસ્થાનની જગ્યાનો સોદો સ્થગિત રખાયો. પણ એ સમયે કુટુંબના એક સભ્યે ટંકારાના મોટુ કુટુંબી અને ધનવાન વેપારી ચકુભાઈ સુંદરજીભાઈ ભમ્મર (લુહાણા) ને વેચાણ કરી આપ્યુ જેમા વસંત નિવાસ તરીકે રહેણાંક ઉપયોગમાં લેવાનું શરૂ કરી દીધું જે ખુબ મોટી દુઃખદ ધટના બની જે પાછળથી ખરીદી કરવા કેવડી મોટી લડત ચલાવી અને ક્યારે કેટલી જગ્યા મળી એ બધું આગળ જાણશુ.

એ પહેલા આપણે સ્વામી દયાનંદ સરસ્વતી જે ટંકારાના મુળશંકર ઉર્ફે દયારામના પુર્વજનો પરીચય અને તથા ઈતિહાસ જાણીએ, આપણે એ મહામાનવી જેણે કુરિવાજો સામે બંડ પોકારી દેશ વિદેશમાં હિન્દ ધર્મને ડુબતી નૈયાને તારનાર ઋષિ દયાનંદની વાત કરી છી પરંતુ દયાનંદ કોણ હતા? એના પુર્વજ કોણ? એ સવાલ સહેજમાં થવો સ્વાભાવિક છે એટલેજ મહા મહેનત અને સંશોધન બાદ મુળશંકર સુધી પહોંચેલા બાબુ દેવેન્દ્રનાથ મુખોપાધ્યાયે ઋષિના પુર્વજની જાણકારી મેળવવા કમર કસી અને અભ્યાસ તથા ઈતિહાસકારો, માહિતગારો પાસે જાણ્યું કે અનહિલવાડના રાજા મુળરાજ સોલંકી એક સમયે ઉતર ભારતના ધાર્મિક સ્થળોએ ઝાંખી (દર્શન) કરવા ગયા હતા. ત્યાથી પરત ફરતી વેળાએ કુરુક્ષેત્ર, સ્થાણ્વીશ્ચ્વર, કાન્યકુબ્જ, નૈમિષારણ્ય તિર્થોના 1000 જેટલા બ્રાહ્મણો ત્યાથી સિધ્ધપુર જે રાજ્યની રાજધાની હતી ત્યા લાવ્યા જ્યા પરીવાર ચલાવવા જગ્યા અને ધનરાશિ પણ આપી ત્યારે સિધ્ધપુરમાં ભુદેવની ઓળખ ઉદેચી એટલે ઉતર ભારત અને વધુ સંખ્યામાં હતા એટલે સહસ્ત્રને કારણે ઔદિચય સહસ્ત્ર બ્રાહ્મણ તરીકે બોલાવવા લાગ્યા અને ઓળખ બની.

હવે ઉતર ભારતમાથી આવ્યા હતા એટલે એમાનો એક સમુહ તિર્થયાત્રા માટે કચ્છ (ભુજ)માં નિકળ્યા હતા ત્યારે ત્યાંના નરેશ (કચ્છાધીપતી) બ્રહદ યજ્ઞમાં સામિલ હતા એ દરમિયાન આ બ્રાહ્મણો યજ્ઞ સંબંધી વાતચીત કરતા સાંભળ્યા અને જેની નોંધ કચ્છ રાજાએ લીધી એટલે આ વિદ્વાન ભુદેવને ત્યા રોકાવવા વિનંતી કરી અને વિનંતીવસ રોક્યા અને પછી તો ધણો વંશવેલો કચ્છમાં આગળ વધ્યો. પરંતુ સોળમી સદીમાં કચ્છ રાજાએ કાઠિયાવાડ ઉપર આક્રમણ કર્યું જેના ફલ સ્વરૂપ જામસાહેબે જામનગર (નવાનગર)ની સ્થાપના કરી. ઈતિહાસમાં ટંકાયેલુ છે કે તેની સાથે ઔદિચય બ્રાહ્મણો પણ સાથે આવ્યા હતા જે રાજકામના નિપુણ હતા અને વિદ્વાન પણ જેમાંના એક સમુહ અપિતુ રાયગઢજીના પુત્ર રેવાજી વિ. સં 1743 થી 1754 સુધી જામનગરની હદમાં આવેલ હાલના મોરબી વહીવટદાર (જીલ્લા કલેક્ટરની) હેસયતથી શાસન કર્યું. એ દરમિયાન મચ્છુ કાઠે મોરબીના વર્ષામેડી ગામે દયાનંદના પુર્વજ વસ્યા અને અન્ય જામનગરના જોડિયા તાલુકાના કેશિયા ગામના જમીનદાર બન્યા જેનુ સબુત દયાનંદના પુર્વજના ઈષ્ટદેવ માતાજી સહિત પુજ્ય સ્થાન પણ છે અને દયાનંદની બહેન પ્રેમબાઈનો પ્રપૌત્ર પોપટલાલ રાવલ (વાકાનેર વાળાને) વારસદાર તરીકે એ જમીનો પણ મળી હતી. (ત્યારે પોપટલાલ હયાત પણ હતા.)

બાદમાં વિ. સં. 1754 (ઈ. સં. 1698) માં મોરબી રાજ્યની સ્થાપના કરવામાં આવી. (“મોરબી રાજવીની વાતો પણ આગામી અંકોમાં કરશું”) એટલે ત્રવાડી,( ત્રિવેદી) પરીવારના બે દળનાં સભ્યો અલગ અલગ જગ્યાએ વસ્યા જેમા ટંકારા નગરે કશબે મેધજી ત્રિવેદી વસ્યા જેમણે બે પુત્રો થયા એકનુ નામ વિશ્રામજી અને બિજાનુ ડોસાજી હવે ત્યારે ટંકારા તાબાના વહીવટદાર જીવા મહેતા (બહાદુર અને બુધ્ધિ ચાતુર્ય) ટંકારા ગઢની રાંગ બનાવનાર એમણે પોતાના નામ ઉપર જીવાપર ગામની સ્થાપના વિ. સં 1778 માં કરી એટલે તેની સાથે વિશ્રામજી ને જીવાપર લઈ ગયા અને ત્યાંના નિવાસી બનાવ્યા જ્યારે ડોસાજી ટંકારા સ્થાયી થયા (એક સમયે ટંકારા નગર માલેતુજાર શેઠ પાસે ગિરવે મુક્યું હતું જેની વાત પછી ક્યારેક કરશુ.) ડોસાજીને એક પુત્ર થયો જેનુ નામ લાલજી હતું અને લાલજીને બે પુત્રો થયા જેમા એક હતા ભારતને ગૌરવ અપાવવા અવતરણ લેનાર મુળશંકરના પિતા કરશનજી હતા કરશનજી વિદ્વાન શિવ ઉપાશક હતા જે જ્ઞાન મંદિર તરીકે ઓળખાય છે એ કુબેરનાથ મહાદેવ મંદિરની સ્થાપના (વિ. સં. 1887) મા કરી હતી. આર્થિક સુખીનુ કારણ શરાફ લેણદેણ સંપન્ન સદગૃહસ્થ ઉપરાંત મોરબી રાજ્યના ઉચ્ચ વહીવટી અમલદાર હતા જેની સેવામા સિપાહી પણ રહેતા હતા. જેમના લગ્ન અમરૂતબાઈ (કુખને દિપાવનાર યુગ પ્રવર્તક બ્રહ્મઋષિના માતા) સાથે થયા હતા અને લગ્ન જીવનમાં કરશનજીને ત્રણ પુત્રો અને બે પુત્રી એમ પાંચ સંતાનો જન્મ્યા હતા એમા સૌથી મોટા આપણા મુળશંકર (સ્વામીજી) હતા. અને આ રીતે એક યુગ પુરૂષ જે આગળ જતાં મહાન સમાજ સુધારક, જાતી સંગઠનકર્તા, ઓજસ્વી ઉપદેશક, સ્વદેશ નાયક બને છે જે ખારોળી ભોમકા વાળા દયામયી ડેમી નદીના કિનારે આવેલા ટંકારા નગરે જીવાપરા શેરીમાં અવતરણ થયું હતું. (ક્રમશઃ)

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો