Placeholder canvas

કર્ણાટકમાં તા.10 મેના રોજ મતદાન: તા.13 મેના પરિણામ

કર્ણાટકમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણીપંચે આજે રાજયમાં 224 વિધાનસભા બેઠક માટે એક જ તબકકામાં તા.10 મે ના રોજ મતદાન યોજાશે અને તા.13 મે ના રોજ પરિણામ જાહેર કરાશે. રાજયની વિધાનસભાની મુદત તા.24 મે ના રોજ પૂર્ણ થઈ રહી છે અને તે પુર્વે નવી સરકાર સતામાં આવી જાય તે નિશ્ચિત કરાશે.

આજે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ચૂંટણી આચારસંહિતા આજથી જ અમલી બની ગઈ છે અને રાજયમાં 224 વિધાનસભા બેઠકો માટેનું ચૂંટણી જાહેરનામુ તા.13 એપ્રિલના બહાર પડાશે અને તે સાથે ઉમેદવારીપત્રક ભરવાનો પ્રારંભ થઈ જશે અને તા.20 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે જયારે તા.24 એપ્રિલ સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે. તા.10 મે ના રોજ મતદાન અને તા.13 મે ના રોજ પરિણામ જાહેર કરાશે.

રાજયમાં 224 વિધાનસભા બેઠકો માટે 5.21 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. કર્ણાટકની ચૂંટણી જાહેર થતા જ હવે દક્ષિણના રાજયોમાં રાજકીય વાતાવરણ ગરમ બની જશે. રાજયમાં હાલ બસવરાજ બોમ્મઈના નેતૃત્વમાં ભાજપની સરકાર છે અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસ તથા જનતાદળ એસ તરફથી મોટો પડકાર મળી શકે છે.

આ સમાચારને શેર કરો