Placeholder canvas

રાજકોટમાં ‘ઑમિક્રોન’નો વધુ એક કેસ: 22 વર્ષીય યુવતી સંક્રમિત

રાજકોટમાં ‘ઑમિક્રોન’ વાયરસ ધીમે પગલે આગળ વધી રહ્યો હોય તેવી રીતે આજે વધુ એક દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તંત્રમાં દોડધામ થઈ જવા પામી છે. આજે જે દર્દીનો ‘ઑમિક્રોન’ રિપોર્ટ પોઝિટીવ જાહેર કરાયો છે તે લંડનથી અમદાવાદ આવી હતી જ્યાં તેનો આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટીવ આવતાં તેને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ સાથે જ રાજકોટમાં નવા વેરિયેન્ટ ‘ઑમિક્રોન’ના બે દર્દી નોંધાઈ ગયા છે. જ્યારે ત્રણ દર્દી એવા છે જેમનો રિપોર્ટ જિનોમ સિક્વેન્સીંગ માટે મોકલવામાં આવ્યો છે જેની રાહ જોવાઈ રહી છે.

આ અંગે મળતી વિગતો મુજબ, સાધુ વાસવાણી રોડ નજીક આવેલી ભીડભંજન સોસાયટીમાં રહેતી 22 વર્ષીય યુવતી લંડનમાં અભ્યાસ કરે છે. તાજેતરમાં જ તે 21 ડિસેમ્બરે લંડનથી અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરી હતી. યુકે ‘હાઈરિસ્ક’ મતલબ કે ઉચ્ચ જોખમયુક્ત દેશમાં સામેલ હોવાથી ત્યાંથી આવેલી યુવતીનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટીવ આવતાં અમદાવાદના સ્થાનિક તંત્ર દ્વારા યુવતીને અમદાવાદમાં દાખલ થવું છે કે રાજકોટમાં તેવું પૂછવામાં આવતાં યુવતીએ રાજકોટમાં દાખલ થવાનું કહ્યું હતું.

આ પછી અમદાવાદ એરપોર્ટ પરથી જ એમ્બ્યુલન્સ મારફતે યુવતીને સીધી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દેવાઈ હતી. સિવિલમાં દાખલ કરાયા બાદ તેનું સેમ્પલ જિનોમ સિક્વેન્સીંગ માટે મોકલવામાં આવ્યું હતું જે ઑમિક્રોન પોઝિટીવ આવતાં તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. યુવતીને સિવિલમાં દાખલ કરાઈ ત્યારે જ તેને શંકાસ્પદ ઑમિક્રોન ગણીને ઑમિક્રોન વોર્ડમાં દાખલ કરાઈ હતી. અત્યારે યુવતીની તબિયત સ્થિર છે.

આ ઉપરાંત સિવિલની કોવિડ હોસ્પિટલમાં અત્યારે કુલ આઠ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં બે ઑમિક્રોન અને 6 દર્દીઓ કોરોનાના સામેલ છે. આઠ દર્દીઓમાંથી છ દર્દીઓ એવા છે જેમની ઉંમર 17થી 22 વર્ષ સુધીની છે એટલા માટે એક વાત સ્પષ્ટ કહી શકાય કે યુવાઓ હવે કોરોનાની હડફેટે વધુ ચડી રહ્યા છે.

આ સમાચારને શેર કરો