અણીયારી ટોલનાકા પાસેથી રૂ. 21.46 લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયો

મોરબી : માળીયા હાઇવે ઉપર અણીયારી ટોલ નાકા નજીક વોચ ગોઠવી રૂ.21.46 લાખના વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે કુલ 33.66 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીને ઝડપી પાડી દારૂ મંગાવનારા તેમજ મોકલનારા સુધી તપાસ લંબાવી છે.

મોરબી એલસીબી ટીમને મળેલી બાતમીને આધારે માળીયા હાઇવે ઉપર ખાખરેચી ગામ નજીક અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવી જીજે – 06 – vv – 8699 નંબર ટ્રકમાં વાસ એટલે કે બાંમ્બુની આડમાં લઈ જવાતો દારૂ, બિયરનો વિશાળ જથ્થો ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

એલસીબી ટીમે દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક સોનારામ દુદારામ કડવાસરા, રહે. આગોરગામ, તા.ચોહટન, જિલ્લો બાડમેર, રાજસ્થાન વાળાને ઝડપી લેતા દારૂનો આ જથ્થો ટ્રક માલિક અરવિંદજી જાટ, રહે.જોધપુર રાજસ્થાન વાળાએ મોકલ્યો અને બાડમેર રાજસ્થાનના શ્રવણરામ મઘારામ જાટે આ દારૂનો જથ્થો ભરાવી આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે દારૂ – બીયરનો આ જથ્થો મંગાવનારા તપાસમાં ખુલે તે તમામ લોકો વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

એલસીબી ટીમે દારૂ બિયરનો કુલ 21.46 લાખની કિંમતનો જથ્થો ઝડપી લીધો હતો જેમા કિંગ્સ ગોલ્ડ વ્હિસ્કીની બોટલ નંગ 1164 કિંમત રૂપિયા 3.49 લાખ, મેકડોવેલ નંબર વનની 2328 બોટલ કિંમત રૂપિયા 6.98 લાખ, રોયલ ચેલેન્જ વ્હિસ્કીની 1560 બોટલ કિંમત રૂપિયા 8.11 લાખ, ગીન્સબર્ગ બિયર ટીન 2880 કિંમત રૂપિયા 2.88 લાખનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટ્રક કિંમત રૂપિયા 12 લાખ, મોબાઈલ ફોન રૂપિયા 5000 તેમજ રૂપિયા રોકડા રૂપિયા 14,640 કબ્જે કરી ટ્રક ચાલક સોનારામ દુદારામ કડવાસરાની અટકાયત કરી અન્ય આરોપીઓને ફરાર દર્શાવી માળીયા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો છે.

આ સમાચારને શેર કરો