Placeholder canvas

અનિરૂધ્ધસિંહ જાડેજાએ ગોવિંદ સગપરિયાને રૂ.50 કરોડના માનહાનિનો દાવાની નોટિસ ફટકારી…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહેલી ગોંડલ વિધાનસભા બેઠક અને તેમાં પણ સૌથી વધુ ચર્ચામાં રહેલ મત વિસ્તાર એટલે રીબડા. ફરી એક વખત રીબડાનાં અનિરૂધ્ધસિંહ જાડેજા મેદાને આવ્યા છે. રીબડા ખાતે ડિસેમ્બર માસમાં ગોંડલના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યની હાજરીમાં યોજાયેલી સભામાં બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવું ઉશ્કેરણીજનક ભાષણ કરનારા રાજકોટના ગોવિંદ સગપરિયા સામે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ 50 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે અને સાત દિવસમાં આ સંમેલનના વીડિયો જે જે સોશિયલ મીડિયા પર વહેતા કરાયા છે તે હટાવી લેવા વકીલ મારફતે નોટિસ પાઠવી છે. અન્યથા કોર્ટ કેસનો ઉલ્લેખ નોટિસમાં કરવામાં આવ્યો છે.

અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલના એડવોકેટ દિનેશ પાતર માફરત પાઠવેલી નોટિસમાં જણાવ્યું છે કે, ગત ડિસેમ્બરમાં રીબડા ખાતે સભા યોજવામાં આવી હતી અને તેમાં ક્ષત્રિય અને પટેલ સમાજ વચ્ચ વૈમનસ્ય ફેલાય તે રીતે ગોવિંદભાઇ દ્વારા અસભ્ય ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. વિશાળ જનમેદની અને આગેવાનોની હાજરીમાં તેમના પરિવારજનોના ચારિત્ર્યને હલકું બતાવવાનો પ્રયત્ન થયો હતો અને આધાર વિહીન આક્ષેપો કરવામાં આવ્યા હતા જેનાથી પટેલ સમાજના લોકો ક્ષત્રિય સમાજને દુશ્મનની નજરે જુએ અને દુશ્મનાવટ કરે તેવા શબ્દોનો પ્રયોગ થયો હતો, જેથી અમારા સમાજની લાગણીને ઠેસ પહોંચી છે.

ગોવિંદભાઇએ કરેલા આ દુષ્કૃત્ય પાછળનું એક માત્ર કારણ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું હોય તેવું જણાઇ આવે છે. તેમના આ પ્રકારના ગેરકાયદે કૃત્યના લીધે અમને સામાજિક, વ્યાવસાયિક અને પારિવારિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે અને અતિશય માનસિક ત્રાસ વેઠવો પડ્યો છે. જેની ભરપાઇ ક્યારેય થઇ શકે તેમ નથી. વાહવાહી મેળવવા માટે થઇને ચારિત્ર્ય અંગે વાહિયાત અને પાયાવિહોણી વાતો કરી, કોઇ પણ જાતના પુરાવા વગર આવી ચેષ્ટા કરી હોઇ, અમારી બદનક્ષી કરવામાં આવી છે. માનહાનિના આ દાવાના પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને મુદ્દો ઔર ચર્ચાસ્પદ બની ગયો છે.

આ સમાચારને શેર કરો