Placeholder canvas

અંબાલાલ પટેલની આગાહી: 30 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં સારા વરસાદના યોગ

વરસાદ અંગે જોતા દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડયો છે. ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડયો છે આમ છતાં હજુ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદની ખેંચ છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ભાગોમાં તો ઘણા સમયથી વરસાદની તાતી જરૃર છે. ઉપરાંત ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ખેંચ છે.

આમ ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે. વાવ, થરાદ, રાધનપુર, પાલનપુર અને કચ્છના ભાગોમાં પણ વરસાદ નહિવત છે. આથી ઉભા કૃષિ પાકો સુકાઈ જવાની ભીતિ જણાઈ આવે છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે. બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થતા આ વહન ઉત્તર ભારત તરફ ફંટાઈ જાય છે. અરબ સાગરનું વહન પણ બરાબર સક્રિય થતું નથી. હવે વરસાદ ક્યારે આવશે ? તે અંગે જોઈએ તો તા.૨૫માં વરસાદના યોગ છે. તા.૨૮માં સામાન્ય વરસાદના યોગો નવસારી, સુરત, પંચમહાલ, છોટા ઉદેપુર, ડેડીયાપાડા વગેરે ભાગોમાં છે. જ્યારે તા.૩૦ ઓગસ્ટથી ૬, સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદના યોગો છે.

પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં થતો આ વરસાદ કૃષિ પાકો માટે સારો ગણાતો નથી. છતાં પણ ભેજ ટકી રહે ઉપરાંત સપ્ટેમ્બર તા.૧૧ અને તા.૧૫થી ૨૨ સપ્ટેમ્બર વચ્ચે પણ વરસાદના યોગો છે. ૧૧ સપ્ટેમ્બર પછી ભિન્ન ભિન્ન ભાગોમાં સારા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. એટલે આ વખતે વરસાદ ઓછો થવા છતાં બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબ સાગરના ભેજના લીધે વરસાદ આવવાની શક્યતા રહેશે.

વરસાદ હજુ ગયો નથી. પરંતુ સાર્વત્રિક વરસાદના યોગો હજુ બને તેવી શક્યતા નથી. પરંતુ ભિન્ન ભિન્ન ભાગોમાં સારા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. કોઈ કોઈ ભાગોમાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના અમુક ભાગો, રાજસ્થાનના ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે.

આ સમાચારને શેર કરો