Placeholder canvas

આખરે હિરાસર એરપોર્ટ પર ‘એર કેલિબ્રેશન’ શરૂ

રાજકોટ જ નહીં બલ્કે આખું સૌરાષ્ટ્ર જેની આતૂરતાથી રાહ જોઈને બેઠું છે તે હિરાસર એરપોર્ટનું કામ જેટઝડપે ચાલી રહ્યું છે. એરપોર્ટ નિર્માણ આડે અત્યાર સુધી ઘણા બધા હર્ડલ મતલબ કે અડચણો આવ્યા બાદ ધીમે ધીમે તમામ સમસ્યા દૂર થતી જઈ રહી છે અને કામગીરીમાં ઝડપ આવી રહેલી દેખાય છે. બીજી બાજુ એરપોર્ટ ઉપર સૌથી જરૂરી એવું ફ્લાઈટનું ઉતરાણ અને ઉડાન માટેનું ટેસ્ટીંગ કે જેને ‘એર કેલિબ્રેશન’ કહેવામાં આવે છે તેને લઈને અત્યાર સુધી અનેકવાર મુદ્દત પડ્યા બાદ આખરે આજે પ્રક્રિયા માટેની ઘડી આવી ચૂકી છે. ગત સાંજે જયપુરથી રાજકોટ આવી પહોંચેલા ટચુકડા વિમાને આજે સવારે રાજકોટ એરપોર્ટ પરથી હિરાસર એરપોર્ટ માટે ઉડાન ભરી હતી.

આજે જયપુરથી આવેલું નાનકડા વિમાને સવારે 9 વાગ્યે જૂના એરપોર્ટ પરથી નવા એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. જો કે દસેક વાગ્યા સુધી તેણે હવામાં જ ચક્કર લગાવ્યા હતા. આ કેલિબ્રેશન એર મતલબ કે હિરાસર એરપોર્ટ આસપાસ હવાની ગુણવત્તા, તેન તીવ્રતા, ધૂળની ડમરી સહિતના માટેની ચકાસણી અંતર્ગત હોવાથી વિમાને લાંબા સમય સુધી હવામાં ચક્કર લગાવ્યા હતા. જો કે આજે ફ્લાઈટનું લેન્ડીંગ થાય તે અંગે કહી ન શકાય કેમ કે લેન્ડીંગની પ્રક્રિયા આવતીકાલે થઈ શકે છે. જો કે જૂના એરપોર્ટ પરથી નવા એરપોર્ટ માટે ફ્લાઈટે ઉડાન ભરતાં બન્ને સ્થળે એર ટ્રાફિક કંટ્રોલની ટીમ સવારથી જ ગોઠવાઈ ગઈ હતી.

એરપોર્ટ ડાયરેક્ટરે જણાવ્યું કે હજુ આવતીકાલે પણ કેલિબ્રેશનની પ્રક્રિયા યથાવત રહેનાર છે ત્યારે સંભવત: કાલે ફ્લાઈટ લેન્ડીંગ થઈ શકે છે. જો કે લેન્ડીંગ થશે જ તે વાત હજુ સુધી નિશ્ર્ચિત બની નથી. જો સફળતાપૂર્વક ફ્લાઈટ લેન્ડ થઈ જશે એટલે આવતાં મહિને મોટા વિમાનનું લેન્ડીંગ અને ટેકઓફની પ્રક્રિયા કરવામાં આવશે. જો કે તેના પહેલાં આ ફ્લાઈટનું કેલિબ્રેશન સફળ થાય તે જરૂરી બની જાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ દિલ્હીથી આવેલી ટીમે હિરાસર એરપોર્ટનું ગ્રાઉન્ડ કેલિબ્રેશન કર્યું હતું અને તેમાં અનેક ક્ષતિઓ બહાર આવતાં તેને સુધારીને ફરીથી કેલિબ્રેશન કરવામાં આવ્યું હતું જે પૂર્ણ થયા બાદ હવે આજે એર કેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે જેમાં કોઈ અડચણ નડી છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એકંદરે કેલિબ્રેશન સહિતની પ્રક્રિયાએ વેગ પકડી લેતાં હવે ટૂંક સમયમાં એરપોર્ટ ઉપરથી ફ્લાઈટ ક્યારે ઉડાન ભરશે તેની તારીખ જાહેર થાય તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

આ સમાચારને શેર કરો