વાંકાનેર: બિનઅધિકૃત કપાસના બિયારણ વેચતા વેપારી સામે ગુનો દાખલ
વાંકાનેર : વાંકાનેર શહેરમાં બિનઅધિકૃત કપાસના બિયારણના વેપારી સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ પોલીસે આરોપી પાસેથી કુલ કીં.રૂ. 86,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ગત તા. 14ના રોજ વાંકાનેરના ખેતીવાડી અધિકારી ચંદ્રેશ અરવીંદભાઇ લુહારએ શહેરમાં ધર્મ ચોક ખાતે કે.કે ચેમ્બરમાં આવેલ નુરાની બીજ સેન્ટરમાં પ્રોપરાઇટર તથા સપ્લાયર તરીકે કામ કરતા કડીવાર હુશેન સાવદી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. આ ફરિયાદ મુજબ હુશેનએ પોતાના અંગત આર્થિક લાભ માટે સરકારની મંજૂરી વગર હર્બીસાઇડ ટોરન્ટ હાઇબ્રીડ કપાસના બીયારણનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરી તેમજ જીનેટીકલી એન્જીનીયર્ડ પ્રોડકટ વેચાણ તથા ઉત્પાદન માટે મંજૂરી નહિ મેળવી બિનઅધિકૃત કપાસ બીયારણની જાત વીભુ ૪જી ગાર્ડ તથા વાઇટહાઉસ ૪જી ટેકનોલોજી તથા અક્ષર ગોલ્ડ ૪જી ના મળી કૂલ 84 પેકેટ (450 ગ્રામના) કૂલ કિ.રૂ. 86,500નો રાખેલો હતો.
ઉલ્લેખનીય છે કે આ બનાવમાં પોલીસ સ્ટેશન ખાતે તા. 28 મેના રોજ અરજી નોંધવામાં આવી હતી. બાદમાં પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી. હાલમાં પોલીસે આરોપી હુશેન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.