રામોદ બાદ રાજકોટમાં ગેંગરેપ: ત્રણ શખ્સોએ હવસ સંતોષી

રાજકોટ તા.2

ગોંડલના રામોદ ગામે ભાજપ અગ્રણી સહિતનાઓએ મળી યુવતિ પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યુ હતું જેમાં હજુ સુધી પોલીસ આરોપીઓને ઝડપી શકી નથી ત્યાં વધુ એક આવો બનાવ રાજકોટમાં બનવા પામ્યો છે.

જેતપુરમાં રહેતી 36 વર્ષીય પરિણીતાએ રાજકોટમાં તેને કેટરીંગ કામ માટે બોલાવી અહીંના પેડક રોડ પર આવેલા રણછોડનગરના સંભવનાથ એપાર્ટમેન્ટમાં લઈ જઈ ફલેટમાં તેની સાથે નટુ સોજીત્રા તથા તેની સાથેના તેના બે મીત્રોએ સામુહિક દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદ નોંધાવી છે. પતિથી અલગ રહેતી મહિલા કેટરીંગ કામ કરતી હોય એક દિવસ ચાલુ બસે નટુ સોજીત્રા સાથે પરીચય થયો હતો. તેણે પરિણીતાને રાજકોટમાં કેટરીંગ કામના બહાને બોલાવી હતી અને બાદમાં તેણે તથા તેના મીત્રોએ હવસનો ખેલ ખેલ્યો હતો. બનાવ અંગે પરિણીતાની ફરીયાદ પરથી પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.

સામુહિક દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ જેતપુરમાં રહેતી 36 વર્ષીય મહિલાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2011માં જુનાગઢમાં તેમના લગ્ન થયા હતા. સંતાનમાં 18 અને 16 વર્ષના પુત્રો છે. પતિ સાથે મનમેળ ન રહેતા પરિણીતા છેલ્લા પાંચેક વરસથી એકલી રહે છે અને કેટરીંગનું કામ કરે છે. આજથી બે માસ પૂર્વે તેણી થાણાગલોળ ગામે રસોઈ કરવા ગયા બાદ પરત ફરી રહી હતી ત્યારે બસમાં તેની ઓળખ નટુ સોજીત્રા સાથે થઈ હતી. આ નટુ સોજીત્રાએ તેણીને પોતે રાજકોટ રહેતો હોય અને કેટરીંગનું કામ કરતો હોય જો કોઈ કામ હોય તો જણાવવાનું કહી પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. બાદમાં બન્ને વચ્ચે કયારેક કયારેક કામને લઈ ઔપચારિક વાતોચીતો થતી હતી.

પરિણીતાએ પોતાની ફરીયાદમાં વધુમાં જણાવ્યા મુજબ છેલ્લા પાંચક દિવસથી તેણીને કોઈ કામ ન હોય ગત તા.29-2ના રોજ સાંજના તેણે નટુ સોજીત્રાને ફોન કયો હતો અને કામ બાબતે વાત કરી હતી. જેથી નટુ સોજીત્રાએ આવતીકાલે સવારે તું અહીં આવી જજે તેમ કહ્યું હતું. તા.1ના રોજ સવારના પરિણીતા જેતપુરથી રાજકોટ આવી હતી. દરમ્યાન નટુએ જણાવ્યા મુજબ તે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઉતરી હતી ત્યાંથી નટુ સોજીત્રા તેને એકટીવામાં બેસાડી રણછોડનગર પાસેના સંભવનાથ એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો.

ફલેટમાં લઈ ગયા બાદ આશરે દસેક મીનીટ બાદ અન્ય બે શખ્સો પણ અહીં મહેમાન બની આવ્યા હતા. તે પૈકી એક વ્યકિતએ પરિણીતાની બાજુમાં આવી અડપલા કર્યા હતા. ત્યારે નટુ સોજીત્રાએ વચ્ચે પડી તું કોઈ માથાકૂટ ન કર તેમ કહ્યું હતું. આપણે કેટરીંગ બાબતે નિરાંતે વાત કરીશું તેમ કહેતા મહિલાએ કોઈ વાતચીત નથી કરવી મને પરત મુકી જાવ તેમ કહ્યું હતું જેથી નટુ સોજીત્રા પરિણીતાને ઢસડીને બેડ રૂમમાં લઈ ગયો હતો અને તેણીને ફડાકા મારી બટકુ ભરી મોઢા પર મુંગો દઈ દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં તેના બન્ને મીત્રો જેમાં એક યુવા વયનો અને એક આધેડ વયનો હોય તેણે પણ પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ હતું.

ત્રણેય શખ્સોએ પરિણીતા પર સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ નટુ સોજીત્રા તેણીને નીચે મુકી ગયો હતો અને તારી રીતે રીક્ષામાં ચાલી જજે તેમ કહ્યું હતું. બાદમાં પરિણીતા રાજકોટ સિવિલ હોસ્પિટલ તરફ આવી હતી અને તેની સાથે કેટરીંગનું કામ કરતી એક મહિલાને ફોન કરી બોલાવી હતી. બાદમાં તેણે પોતાના પર બનેલા આ બનાવ અંગે આપવીતી વર્ણવી હતી. ત્યારબાદ તેણીએ આ બાબતે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પરિણીતાની ફરીયાદ પરથી પોલીસે ત્રણ શખ્સો સામે સામુહિક દુષ્કર્મ ગુજારવા અંગે તથા પરિણીતા સાથે મારકૂટ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો