ટંકારા નજીક દ્વારકા ફુલડોલ ઉત્સવમાં જતા યાત્રિકો માટે સેવા કેમ્પો ધમધમ્યા

મોટી સંખ્યામાં પદયાત્રિકો ઉમટી પડયા : મીની ભવનાથ જેવું દ્રશ્ય સર્જાયું : ટંકારામાં ઠેરઠેર સેવાની છાવણી નાખીને પદયાત્રિકોને સેવા કરતા સેવાભાવી લોકો

By Jayesh Bhatashna (Tankara)

ટંકારા : હોળી નિમિતે દ્વારકામાં યોજાનાર ફુલડોલ ઉત્સવનો શ્રધ્ધાભેર લાભ લેવા માટે ઉતર ગુજરાત, સૌરાષ્ટ્રના મોટી સંખ્યા ભાવિકોની પદયાત્રાનો પ્રવાહ શરૂ થયો છે. આ પદયાત્રિકોનો ઘસારો ટંકારા પહોચ્યા છે. તેથી, પદયાત્રિકોની સેવા માટે ટંકારામાં ઠેર ઠેર સેવાની છાવણી રાત-દિવસ ધમધમી ઉઠી છે. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા ટંકારાના સિમાડા મિની ગિરનાર બન્યા હોય તેવું દિવ્ય વાતાવરણ સર્જાયું છે. ટંકારા ખાતે જયા જુઓ ત્યા પદયાત્રી ભાવિકો જોવા મળતા અને ટંકારાના લોકોની પ્રેમભાવના જોઈને આ ભાવિકો ભાવવિભોર બની ગયા છે.

પ્રતિ વર્ષ હોળી પર્વ પૂર્વે મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર સહીતના જીલ્લામાથી માલધારી સમાજ ગાયોના ગોવાળ કાળીયા ઠાકોરના દરબારમાં ફુલડોલ ઉત્સવમા પગપાળા ચાલીને જતા હોય છે. ત્યારે આ વખતે પણ હોળી નજીક આવતા દ્વારકાના ફુલડોલ ઉત્સવનો શ્રધ્ધાભેર લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિકોનું પગપાળા દ્વારકા જવા પ્રયાણ થયું છે. આ મોટી સંખ્યામાં ભાવિકો ટંકારા આવી પહોચ્યા છે ત્યારે સૌરાષ્ટ્રનુ હ્રદય સમુ ટંકારા ગરવા ગિરનારની ગોદની જેમ પદયાત્રીથી ધમધમી રહ્યુ છે અને ભાવિકોનો ટંકારા પાસેથી અવિરત પ્રવાહ વહેતા ભારે દિવ્ય વાતાવરણ સર્જાયું છે.

ત્યારે આ ભાવિકોની સેવા કરવા માટે ટંકારાના સેવાભાવી સંસ્થા સિતરામાની ધાર, બાપા સીતારામ આશ્રમ, પંચમુખી મિત્ર મંડળ, નાના-મોટા ગામડાથી લઈ માલધારી સમાજ દ્વારા સેવા કેમ્પનુ આયોજન કરાયું છે. જેમા ભોજન-ભજન સાથે વિશ્રામ ગૃહ, સ્નાનાગર અને ઠંડા પિણા, પાણી નાસ્તો, ચા સહીતની સેવાથી ભાવિકો પણ ભાવવિભોર બન્યા છે.

આ સમાચારને શેર કરો