ખેરવા પાસેની દેવ ઇન્ડસ્ટ્રીઝમાં બોઇલર બ્લાસ્ટ કેસ: આરોપીના જામીન મંજુર


વાંકાનેર: ખેરવા ગામ પાસે વાંકાનેર કુવાડવા રોડ પર આવેલ દેવ ઈન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં લગાવેલા બોઇલરમાં બ્લાસ્ટ સર્જાતા ટેકનીશયન સહિત ચાર લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને નવ લોકોને ગંભીર ઈજા થતાં નોંધાયેલ ગુન્હાના કામે ફેકટરી માલિકોના જામીન સેશન્સ અદાલત દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.
આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ નજીક આવેલા વાંકાનેર તાલુકાના ખેરવા ગામમાં દેવ ઈન્ડસ્ટ્રીઝના નામથી ચાલતી ફેકટરી સરકારની મંજુરી વિના તેમજ ફાયર સેફટી અંગેના જરૂરી સાધનો ફેકટરી ચલાવવા માટે કે જરૂરી ટેકનીકલ સપોર્ટ માટે કોઈ લાયકાત ધરાવતા ટેકનીશયન ન રાખી આરોપીઓ દ્વારા પોતાની રીતે ફેકટરી ચલાવવામાં આવતી હોઈ ફેકટરીના માલીકો દ્વારા સેફટી અંગેની પણ કોઈ કાર્યવાહી કરેલ ન હોય અને પોતે ફેકટરીમાં જરૂરી પરમીશનો કે જરૂરી ફાયર સેફટીના સાધનો ન રાખવાથી કોઈપણ સમયે કોઈપણ ઘટના બની શકે જેનાથી માનવીની જીંદગી જોખમાઈ તેવી પુરેપુરી સંભાવના હોય તેમ છતાં જાણી જોઈને પોતાના નફા માટે ફેકટરી ચાલુ રાખતા તા.12 / 04 / 2011 ના રોજ મશીનમાં ભયંકર બ્લાસ્ટ થતા 4 કામદારોના મોત તથા નવ અન્ય મજૂરોને ગંભીર ઈજા થતાં ફેકટરી માલીકો ( 1 ) દેવેશભાઈ હરીશભાઈ કારીયા, સંજયભાઈ ભુપતભાઈ તૈલી, હાર્દિકભાઈ બાલુભાઈ સુવાગીયા(રહે. ત્રણેય રાજકોટ) અને કિશનભાઈ બાબુભાઈ સુવાગીયા (રહે. વેરાવળ – ગીર સોમનાથ) વિરૂધ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સાપરાધ મનુષ્યવધનો ગુન્હો દાખલ થયો હતો.
આરોપીઓની ધરપકડ બાદ જેલ હવાલે કરાયા હતા. જેથી ફેકટરીના માલિકો દ્રારા રાજકોટના એડવોકેટ તુષાર ગોકાણી મારફત રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન પર મુકત થવા અરજી દાખલ કરી પોલીસની કાર્ય પધ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવી રજૂઆતો કરવામાં આવી કે, આ પ્રકારના બનાવોમાં અન્ય કિસ્સાઓમાં ક્રિમીનલ નેગ્લીજન્સ એટલે કે બેદરકારીથી મૃત્યુ નિપજાવ્યાની ફરીયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવે છે. તાજેતરમાં જ ગોકુલ હોસ્પીટલમાં આવા પ્રકારના જ કિસ્સામાં બેદરકારીની ફરીયાદ નોંધવામાં આવી હતી, ત્યારે હાલના કિસ્સામાં મનુષ્યવધની ગંભીર કલમ લગાવી પોલીસે કાયદાકિય ભુલ કરી છે. ભોપાલ ગેસ લિકેજનો બનાવ હોય કે ઉપહાર સિનેમામાં 60 લોકો સળગીને મૃત્યુ પામ્યાનો બનાવ હોય તે તમામ કિસ્સાઓમાં બેદરકારીથી મૃત્યુ નિપજાવવાની કલમો લાગી શકે તેવું સર્વોચ્ચ અદાલત દ્વારા ઠરાવવામાં આવેલ છે, ત્યારે હાલના કિસ્સામાં પોલીસે બદદાનતથી સાપરાધ મનુષ્યવધની ગંભીર કલમો લગાવી આરોપીઓને જેલ હવાલે કરેલ છે. તેમજ જે બનાવ બનવા પામેલ છે તે મશીન ઓપરેટ કરતા ટેકનીશ્યનની કસુરને કારણે આકસ્મિક રીતે બન્યો હોવાનું પોલીસના જ કાગળો પરથી ફલીત થતું હોય ત્યારે આરોપીઓને આવી ખામીયુકત ફરીયાદ અને તપાસના આધારે જેલમાં રાખી શકાય નહી જેથી તમામ આરોપીઓને જામીન મુકત કરવા વિસ્તૃત દલીલો કરેલ હતી.

સામાપક્ષે પોલીસ દ્વારા જામીન અરજીનો સખત વિરોધ કરતા એવી રજૂઆત કરાયેલ હતી કે, આરોપીઓની કસુરને કારણે ફેકટરીમાં બ્લાસ્ટ થતા મશીન નજીક ઉભેલા વ્યકિતઓ ત્રણસો – ચારસો ફૂટ જેટલા ફિંગોળાઈ ગયેલ અને ચાર વ્યકિતઓએ પોતાનો જીવ ગુમાવેલ છે તથા નવ વ્યકિતઓને ગંભીર ઈજાઓ થયેલ છે અને મનુષ્યવધની કલમમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈઓ છે જેથી આરોપીઓને જામીન પર મુકત કરી શકાય નહી.

બંને પક્ષકારોની દલીલોના અંતે અદાલત દ્વારા બચાવ પક્ષે કરવામાં આવેલી દલીલો ગ્રાહય રાખી તેમજ ફેકટ્રીસ એકટ મુજબ હતભાગી પરીવારના સભ્યોને વળતર આપવાના સરકારના આદેશનું પાલન કરેલ હોવાનું ઠરાવી તમામ આરોપીઓના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. ફેકટરી માલીકો વતી જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલ જાડેજા, યશ વૈષ્ણવ, કુણાલ વિંધાણી, વિરમ ધરાંગીયા, ઈશાન ભટ્ટ રોકાયેલા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
