વાંકાનેર: નેશનલ હાઈવે પર જોધપર પાસે હિટ એન્ડ રનના બનાવમાં પગપાળા જતા વૃદ્ધનું મોત
વાંકાનેર : વાંકાનેરથી પસાર થતા નેશનલ હાઈવે પર જોધપર ગામ પાસે પગપાળા ચાલીને જતા વૃદ્ધને કોઈ અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવ્યા હતા. વૃદ્ધને હડફેટે લઈને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો એ દરમ્યાન ગંભીર ઇજાગ્રસ્ત વૃદ્ધનું મોત નીપજ્યું હતું.
બનાવની મળેલ માહિતી મુજબ મૂળ નડિયાદ તાલુકાના ચકલાસી જાદવપુરા ગામે રહેતા ઠાકોરભાઈ સોમાભાઈ વાઘેલા ઉં.વ.65 જોધપર પાસે નેશનલ હાઇવે પર પગપાળા જઈ રહ્યા હતા ત્યારે મેસરીયા આઉટ પોસ્ટની હદમાં આવતી જગ્યામાં કોઈ અજાણ્યા વાહન ચાલકે ઠાકોરભાઈને હડફેટે લીધા હતા. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક નાસી છૂટ્યો હતો.
વાહનની ઠોકરે ચડેલા વૃદ્ધને માથાના ભાગે, જમણા પગે તથા પીઠમાં ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હતું. મૃતકના પુત્ર મહેન્દ્રભાઈ ઉર્ફે ટીનાભાઈ વાઘેલાએ પિતાનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધાવતા વાંકાનેર તા.પોલીસે. એમ.વી.એક્ટ હેઠળ અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વધુ તપાસ વાંકાનેર તા.પો.મથકના પો.સબ.ઇન્સ. આર.સી.રામાનુજ ચલાવી રહ્યા છે.