skip to content

ટંકારાના સ્મશાનમાં કાળી ચૌદશની રાત્રે યોજાશે નાઈટ પાર્ટી

સ્મશાનમાં જન વિજ્ઞાન જાથા દ્વારા કાળીચૌદશની ઉજવણી કરાશે : અંધશ્રદ્ધા નિવારણ હેતુ રાજ્યભરમાં 930 ગામ-શહેરના સ્મશાનોમાં જાથા દ્વારા અભિયાન ચલાવાશે

By Jayesh Bhatashna (Tankara) ટંકારા : ભારતમાં સદીઓથી કાળી ચૌદશની રાત્રી વિશે વ્યાપ્ત થયેલી ગેરમાન્યતાઓ, ગેરપરંપરાઓ, જાત-જાતની માન્યતાઓ, ક્રિયાકાંડો, કુરિવાજો, ભૂત-પ્રેત, પીચાસ, મેલી વિદ્યા, આસુરી શક્તિ, અદ્રશ્ય શક્તિ સહિતની સાધના, ઉપાસના, મેલીવિદ્યાની સ્મશાનમાં લેતી-દેતી, ભારે દિવસ જેવી ભ્રમણાઓ સદીઓથી ઘર કરી ગઈ છે. જેનો વૈજ્ઞાનિક કોઈ આધાર નથી. આવી ગેર વૈજ્ઞાનિક વાતોનું ખંડન કરવાના હેતુથી મોરબી જિલ્લાના ટંકારા ગામના સ્મશાનમાં આર્ય સમાજ તથા આર્ય વિદ્યાલયના સહકારથી તારીખ 26 ઓક્ટોબરની રાત્રીએ 09:30 કલાકે દયાનંદ ચોકમાંથી મેલીવિદ્યાની નનામી, ભૂતપ્રેતનું સરઘસ સળગતી મશાલો સાથે પ્રારંભ કરી સ્મશાન સુધી જશે. જ્યાં નવતર કાર્યક્રમ આપી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ થશે.

વિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સદીઓથી સમાજમાં ઘર કરી ગયેલી ગેરમાન્યતાઓ દૂર કરવા માટે રાજ્યભરમાં 930 જેટલા નાના-મોટા સ્મશાનોમાં આવા નવતર કાર્યક્રમો યોજાવામાં આવનાર છે. પાછલા 24 વર્ષોથી જન વિજ્ઞાન જાથા દ્વારા સ્મશાન અને કહેવાતી ખરાબ જગ્યાઓ પર જઈને આવા કાર્યક્રમો આપી લોકોમાં અંધશ્રદ્ધા દૂર થાય અને દરેક બાબત માટે વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એ માટે પ્રયત્નશીલ છે.

આવી અસંખ્ય જગ્યાઓ પર કાર્યક્રમ યોજતા જાથાને આજ દિવસ સુધી એક પણ વખત કોઈ ખરાબ અસર થઈ નથી, કે જાથાના કોઈ પણ સભ્યને ક્યારેય પણ આવી કહેવાતી અગોચર શક્તિ નુકશાન પહોંચાડી શકી નથી. ટંકારામાં આયોજિત થનારા આ કાર્યક્રમમાં લોકોને ઉપસ્થિત રહી, ભ્રામક માન્યતાઓ સામે લડવામાં સહકાર આપવા જાથાએ આહવાન કર્યું છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો