રાજકોટમાં 50થી વધુ ડૉક્ટરો કોરોના સંક્રમીત
એમડી થી લઈ એમબીબીએસ અને સ્પેશ્યાલીસ્ટ બ્રાન્ચના તબીબો પણ વાયરસથી અસરગ્રસ્ત: તબીબી આલમ માટે ચિંતાનો વિષય: પેરામેડીકલ સ્ટાફમાં પણ સંક્રમણનું મોટુ પ્રમાણ
રાજકોટમાં કોરોના સંક્રમણના કેસ સતત વધતા જાય છે તે વચ્ચે સરકારી તથા ખાનગી હોસ્પીટલોમાં કોરોના યોદ્ધા તરીકે સેવા આપતા અંદાજે 50 જેટલા ડૉક્ટરો તથા પેરામેડીકલ સ્ટાફ પણ સંક્રમીત બન્યા છે અને તેના કારણે તબીબી આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
સરકારી તથા ખાનગી ક્ષેત્રમાં જે રીતે કોરોનાના દર્દીઓને સારવાર અપાઈ રહી છે તે સમયે તેમાં સેવા આપતા ડોક્ટરો તથા પેરામેડીકલ સ્ટાફને મહતમ સુરક્ષા આપવામાં આવે છે તેમ છતાં તેઓ કોઈને કોઈ રીતે સંક્રમીત થઈ રહ્યા છે. જેમાં રાજકોટના ટોચના તબીબો ડો. અમીત હપાણી, ડો. સુનીલ શાહ, ડો. પિયુશ દેસાઈ, ડો. નિખિલ ગેરીયા, ડો.હિમાંશુ દેસાઈ, ડો. રૂપા દેસાઈ, ડો. રાજેશ ગણાત્રા, ડો.કાંત જોગાણી, ડો. જયેશ મહેતા, ડો. દિપ્તી મહેતા, ડો. મોટેરીયા, ડો. દીપક મહેતા, ડો. કીંજલ ભટ્ટ સહીતના તબીબો સંક્રમીત થયા છે.
રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ છે અને તેના કારણે તબીબોમાં સંક્રમણ પણ વધ્યુ છે. ડૉકટરો અને પેરામેડીકલ સ્ટાફ પણ જે રીતે સંક્રમીત થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે.