Placeholder canvas

ટંકારા: હડમતીયામાં તળાવમાં ડૂબી જતા 2 બાળકોના મોત

By Ramesh Thakor

હડમતીયા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ તળાવમાં આજે બેક પિતરાઈ ભાઈઓના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. તળાવના કાંઠે જ રહેતા વાંઝા પરિવારના આ બન્ને બાળકોના રમતા રમતા તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત થતા ભારે કરુણાતીકા સર્જાઈ હતી.

આ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ રામદેવપીરના મંદિર નજીક રહેતા વિચરતી વિમુક્ત જાતિના સુંડલા બનાવતા વાંઝા પરિવારના બે બાળકો સુરેશ પ્રતાપ વાંઝા અને રવિ તુતાભાઈ વાંઝા (બન્નેની ઉંમર 6 વર્ષ ) ના આજે ગામમાં આવેલ તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા.બાદમાં બન્ને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ટંકારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ટંકારા પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.આ બનાવની જાણવા મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે હતભાગી બન્ને બાળકો કાકા અને મોટા બાપુના સંતાનો હતા .અને તળાવના કાંઠે જ તેમના પરિવારજનો ઝુંપડા બાંધીને રહે છે. આજે બન્ને બાળકો તેમના ઝુંપડા પાસે રમતા હતા અને રમતા રમતા બન્ને બાળકો અચાનક તળાવના કાંઠે પહોંચી ગયા હતા આથી તળાવના ઉડા પાણીમાં ડૂબી જતાં બન્ને બાળકોના મોત નિપજ્યા હતા. એક જ પરિવારના બે માસુમ કૌટુંબિક ભાઈઓના ડૂબી જવાથી મોત થતા ભારે અરેરાટી ફેલાઇ ગઇ હતી.

આ સમાચારને શેર કરો