Placeholder canvas

રાજકોટમાં સુતેલા પરિવારને રૂમમાં પુરી દઇ તસ્કરો 2.50 લાખની મત્તા ચોરી કરી ફરાર

રાજકોટમાં વહેલી સવારે તસ્કરોએ કળા કરતા પોલીસ દોડતી થઇ હતી. જુના મોરબી રોડ પર એક મકાનમાં બે રૂમમાં સુતેલા પરિવારને રૂમનો દરવાજો બંધ કરી પુરી દઇ ત્રીજા રૂમમાં રાખેલ કબાટમાંથી આશરે રૂા. 2.50 લાખની મતા ચોરી તસ્કરો ફરાર થઇ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ અંગે મળતી વિગત મુજબ શહેરમાં જુના મોરબી રોડ પર લાતી પ્લોટ શેરી નં.7માં રહેતા હરેશભાઇ નગજીવનભાઇ કડેચા (સુથાર) (ઉ.વ.63) તેમના ભત્રીજા અને સંતાનો સાથે રહે છે. તેમનું આ જુનવાણી મકાન છે. જેની આગળની વંડી બારેક ફુટની છે. પછી ફળીયુ છે અને ઓસરી તેમજ ત્રણ રૂમ છે. ગત રાત્રે એક રૂમમાં હરેશભાઇ અને તેમના સંતાનો સુતા હતા જયારે એક રૂમમાં તેનો ભત્રીજો સુતો હતો. જયારે ત્રીજા રૂમમાં લોક માર્યો હતો. વહેલી સવારે કંઇક તોડવાનો અવાજ આવતા હરેશભાઇ જાગી ગયા હતા. તેને રૂમનો દરવાજો ખોલવા પ્રયત્ન કર્યો પણ તેના રૂમનો દરવાજો બહારથી બંધ હતો.

જેથી તેમણે ફોન કરી ભત્રીજાને જગાડયો હતો ભત્રીજાએ ઉઠી રૂમનો દરવાજો ખોલવા પ્રયત્ન કરતા તેના રૂમનો દરવાજો પણ બહારથી બંધ હતો. બહારથી સતત કંઇક તોડવાનો અવાજ આવતો હોય હરેશભાઇ પોતાના પાડોશીને ફોન કર્યો હતો. જોેકે પાડોશી આવે તે પહેલા તસ્કરો ભાગી છુટયા હતા. પાડોશીએ આવી દરવાજા ખોલી હરેશભાઇ અને તેના ભત્રીજાએ બહાર આવી ત્રીજા રૂમમાં રાખેલા કબાટનો લોક તુટેલો હતો તે રૂમનો લોક પણ તુટેલો હતો.

તમામ સામાન વેર વિખેર પડયો હતો. કબાટમાં જોતા રૂા. 40 હજારની રોકડ, સોનાનો ચેઇન- વીંટી, એક જોડી બુટ્ટી જે આશરે અઢી તોલાના હતા તે સોનાના દાગી અને 800 ગ્રામ ચાંદીના દાગીના ગુમ હતા. જેથી તુરંત પોલીસને જાણ કરતા બી ડીવીઝન પીઆઇ આર.જી. બારોટ, કે.ડી.મારૂ, હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ વગેરે સ્ટાફ દોડી ગયો હતો અને ફરિયાદ નોંધવા તજવીજ કરી ફરાર થયેલા તસ્કરોની શોધખોળ હાથ ધરવા આસપાસના સીસીટીવી ફુટેજની તપાસ કરી હતી.

આ સમાચારને શેર કરો