Placeholder canvas

રાજકોટમાં 1 કલાકમાં પડ્યો1 ઇંચ વરસાદ, ભારે પવનથી સોલાર પેનલ ઉડી, અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, 1 વ્યક્તિને ઇજા

રાજકોટમાં છેલ્લા બે દિવસથી અસહ્ય બફારાને કારણે અને વધતા જતા તાપમાનમાં લોકો અકળાયા હતા. જોકે આજે બપોરે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બપોર પછી 4 વાગ્યા પછી ભારે પવન અને વીજળીના પ્રચંડ ગડગડાહટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરની અમુક સોસાયટીમાં છત પરથી ભારે પવનને કારણે સોલાર પેનલ ઉડીને નીચે પડી હતી. જોકે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. તેમજ અનેક જગ્યાએ ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા.

શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા
ભારે પવનના કારણે શહેરના ભગવતીપરામાં કાચા મકાન પર વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાઇ હતી. આ ઉપરાંત શ્રોફ રોડ પર એક વૃક્ષ દીવાલ પર ધરાશાયી થયું હતું. તેમજ ગેલેક્સી ટોકીઝ પાસે વૃક્ષ ધરાશાયી થઇ એક કાર પડ્યું હતું. જોકે આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી, પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે ફાયરબ્રિગેડ દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષો રસ્તાઓ પર હટાવવાની કામગીરી હાથ ધરી છે.

રાજકોટ શહેરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, કાલાવડ રોડ, જામનગર રોડ, માધાપર ચોકડી, યાજ્ઞીક રોડ, રેસકોર્સ રિંગરોડ, મવડી, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. શહેરના નાણાવટી ચોક અને રામાપીર ચોકડીએ રસ્તા પર એક-એક ફૂટ ભરાઇ ગયા હતા. આથી વાહનચાલકો પણ પરેશાન બન્યા હતા.

આ સમાચારને શેર કરો